• બુધવાર, 27 મે, 2026

ખેડૂતોને રાહત : હવે પેટ્રોલ પંપ પરથી 200 લીટર સુધી ડીઝલ સરળતાથી મળશે

રાજ્ય સરકારના નિર્ણયથી ખેડૂતોનો સમય અને ખર્ચ બંને બચશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.25 : રાજ્ય સરકારે ખેડૂતોને મોટી રાહત આપતો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે ખેડૂતો ખેતીના કામકાજ માટે કોઈપણ પેટ્રોલ પંપ પરથી એકસાથે 200 લીટર સુધી ડીઝલ મેળવી શકશે. ખેડૂતો પોતાના ટ્રેક્ટર, અન્ય વાહન અથવા સાથે લાવવામાં આવેલા બેરલમાં પણ આ જથ્થો ભરાવી શકશે.

ખેતીની સિઝનમાં ટ્રેક્ટર, પંપસેટ અને અન્ય કૃષિ સાધનો માટે મોટા પ્રમાણમાં ડીઝલની જરૂર પડતી હોય છે. અગાઉ ખેડૂતોને વારંવાર પેટ્રોલ પંપ સુધી જવું પડતું હોવાથી સમય અને ખર્ચ બંને વધતા હતા. ખેડૂતોને પડતી આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને પુરવઠા વિભાગે ડીઝલ વિતરણની મર્યાદા નક્કી કરી છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોનો કિંમતી સમય બચશે અને ખેતીના કામકાજમાં ઝડપ આવશે. મોટા જથ્થામાં ડીઝલ સરળતાથી મળતા ખેતીના કામોમાં અવરોધ પણ ઓછો થશે. રાજ્યભરના પેટ્રોલ પંપ સંચાલકોને પણ નિયમો મુજબ ખેડૂતોને 200 લીટર સુધી ડીઝલ આપવાની મંજૂરી આપવામાં આવી છે.

તાજેતરમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 2.61 રૂપિયા અને ડીઝલના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવા વધારા બાદ રાજ્યના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાની પાર પહોંચી ગયો છે. આવા સમયમાં સરકારનો આ નિર્ણય ખેડૂતો માટે રાહતરૂપ માનવામાં આવી રહ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક