• સોમવાર, 25 મે, 2026

સૌરાષ્ટ્રમાં બેવડી ઋતુનો માર : સુરેન્દ્રનગરમાં અને રાજકોટમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન વચ્ચે બફારો

દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાનનો પારો નીચો, પણ હવામાં રહેલા ભેજના કારણે લોકો પરસેવે રેબઝેબ

રાજકોટ તા.24: સૌરાષ્ટ્રમાં મે મહિનાના અંતે હવામાનનો મિજાજ અત્યંત આકરો અને કષ્ટદાયક બન્યો છે. પ્રદેશમાં અત્યારે ગરમીનો બેવડો એટેક જોવા મળી રહ્યો છે. એકતરફ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે અને પારો 41 ડિગ્રીને પાર થઈ ગયો છે, તો બીજી તરફ દરિયાઈ પવનોને કારણે હવામાં ભેજનું પ્રમાણ વધતાં અસહ્ય બફારો અને અકળામણ વધી ગઈ છે. બપોરના સમયે આકરા તડકા અને સવાર-સાંજ અસહ્ય ગૂંગળામણના કારણે લોકો તોબા પોકારી ઉઠયા છે.

સામાન્ય રીતે રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં સુકી ગરમી પડતી હોય છે, પણ અત્યારે ચિત્ર બદલાયું છે. રંગીલા રાજકોટમાં મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી નોંધાયું છે, જ્યારે સુરેન્દ્રનગરમાં પારો 41.8 ડિગ્રી પર પહોંચી ગયો છે. આ આકરા તાપમાનની સાથે સવારના સમયે રાજકોટમાં 68% અને સુરેન્દ્રનગરમાં 69% ભેજ નોંધાતા સવારથી જ ઘરમાં પંખા કે એસી પણ રાહત આપી શકતા નથી. ભાવનગર 41.9 ડિગ્રી સાથે સૌરાષ્ટ્રનું સૌથી ગરમ શહેર રહ્યું છે. જ્યારે અમરેલીમાં પણ પારો 41.3 ડિગ્રી નોંધાયો છે. આ બંને શહેરોમાં સવારે 64% ભેજ રહેવાના કારણે લૂની સાથે અસહ્ય અકળામણ અનુભવાઈ રહી છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાનનો પારો ભલે નીચો હોય, પણ હવામાં રહેલા ભારે ભેજે લોકોને પરસેવે રેબઝેબ કરી દીધા છે. વેરાવળમાં મહત્તમ તાપમાન 35.2 ડિગ્રી છે, પરંતુ હવામાં ભેજનું પ્રમાણ સવારે 81% અને સાંજે 73% જેટલું ઊંચું રહ્યું છે. પોરબંદરમાં પણ 35.8 ડિગ્રી તાપમાન સામે સાંજ સુધી 58% ભેજ જળવાઈ રહેતા બપોરે પવન સાવ બંધ થઈ ગયો હોય તેવો અહેસાસ થાય છે. યાત્રાધામ દ્વારકામાં સવારના સમયે 77% અને ઓખામાં 79% ભેજ નોંધાયો છે, જેના કારણે દરિયાકિનારે પણ ભારે ગૂંગળામણ થાય છે. દીવમાં પણ 34.0 ડિગ્રી તાપમાન સામે સાંજનો ભેજ 69% નોંધાતા રાત્રે પણ બફારો યથાવત્ રહે છે.

ઇ-પેપરના નવા શુલ્ક