25ને ઈજા : અધિક માસમાં બગદાણા ગયેલી મહિલાઓને અકસ્માત નડયો
(ફૂલછાબ ન્યુઝ)
ગોંડલ: ગોંડલનાં બાંદરા અને વોરાકોટડા
રોડ ઉપર વહેલી સવારે પાંચ કલાકે બગદાણાથી ગોંડલ આવી રહેલી ખાનગી લકઝરી બસ રોડ પરથી
પલટી ખાઇ જતા સર્જાયેલા અકસ્માતમાં વોરાકોટડા રોડ પર રહેતા સાસુ વહુનું ઘટના સ્થળે
મૃત્યુ નિપજ્યું હતું.જ્યારે પચ્ચીસ પ્રવાસી ઇજાગ્રસ્ત થયા હતા.
તાલુકા પોલીસે બસનાં ડ્રાઇવરની
અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી.મૃતક તથા ઇજાગ્રસ્તોને 108 મારફત તુરંત ગોંડલ ખસેડાયા
હતા.
અધિક માસ ચાલતો હોય ગોંડલનાં
વોરાકોટડા રોડ પરનાં રહેણાંક વિસ્તારની મહિલાઓ બગદાણા સહિત ધાર્મિક સ્થળોનાં પ્રવાસે
લકઝરી બસ બાંધી ગઈ હતી. પરત ફરતી વેળા વહેલી
સવારનાં પાંચનાં સુમારે બાંદરા વોરાકોટડા સિંગલ પટ્ટી રોડ ઉપર સામેથી ટ્રક આવતો હોય
તેને સાઇડ આપવા બસ ડ્રાઇવરે બસને રિવર્સમાં લેતા બસ રોડ પરથી નીચે ઉતરી જઇ ધડાકાભેર
પલટી મારી ગઈ. તેના કારણે મીંઠી નિન્દ્રા માણી રહેલી પ્રવાસી મહિલાઓ હેબતાઈ ગઈ હતી.
અકસ્માતમાં વોરાકોટડા રોડ રામજી
મંદિર પાસે રહેતા શાંતાબેન પુનાભાઇ મકવાણા (ઉં.72) તથા સવિતાબેન રસિકભાઈ મકવાણા(ઉં.50
)નું ગંભીર ઇજાને કારણે ઘટના સ્થળે મૃત્યુ
નિપજ્યા હતા જ્યારે પચ્ચીસ જેટલા પ્રવાસી ઇજાગ્રસ્ત થતાં તમામને ગોંડલ સરકારી હોસ્પિટલ
ખસેડાયા હતા.
અકસ્માતમાં મોતને ભેટેલા શાંતાબેન
તથા સવિતાબેન સાસુ વહુ થાય છે.સવિતાબેનનાં પતિ રસિકભાઈ મમરાનાં કારખાનામાં કામ કરે
છે. સંતાનમાં ત્રણ દીકરા તથા એક દીકરી હોવાનું જાણવા મળ્યું હતું.
બસ અકસ્માતમાં ઇજાગ્રસ્તો પૈકી
કેટલાકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ
હાથ ધરી છે.