-- હાલ બેંકની કામગીરી બંધ : ખાતા ધારકોને મુશ્કેલી
ભાવનગર, તા.12 : ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટીવ બેંકનું
સર્વર હેક કરી કરોડો રૂપિયાનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું છે. જેમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ
કો-ઓપરેટીવ બેન્કની ચાર શાખાને સાયબર ગઠિયાઓએ સર્વર હેક કરી તબક્કાવાર રીતે સાત કરોડ
જેવી માતબર રકમની ઉચાપત બહાર આવી છે. આ ઘટનાને લઈ ભાવનગરમાં ખળભળાટ મચી જવા પામ્યો
છે.
શહેરના
ઘોઘા જકાતનાકા પાસે આવેલા દેવરાજનગરની સામે આવેલી યોગીનગર સોસાયટીમાં રહેતા અને ભાવનગર
ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કના સીબીએસ કોર બેન્કિગ સોલ્યુશન ડિપાર્ટમેન્ટમાં બ્રાન્ચ
મેનેજર આઈટી હેડ તરીકે ફરજ બજાવતા હાદકભાઈ દાનજીભાઈ સવાણીએ ફરિયાદ નોંધાવી હતી કે,
ગત તા.7 માર્ચ 2026થી તા.09 માર્ચ 2026 દરમિયાન ધી-ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપ. બેંક
લી.ની સિસ્ટમ હેક કરી સર્વરમાં અનધિકૃત રીતે એક્સેસ મેળવી લઈ બેંકના ખાતાધારક સુભાષનગર શાખા, ભાવનગરના બેંક ખાતાધારક પરમાર વિવેકભાઈ
બળવંતભાઈ (રહે.112/ઇ લાખાવાડા, ઘોઘા રોડ, ભાવનગર)ના બચત ખાતામાંથી રૂ.1,50,00,201 તથા
સીદસર શાખા, ભાવનગરના બેંક ખાતાધારક અજીતાસિંહ ભરત સિંહ ગોહિલ (રહે.પ્લોટ નં.44 આણંદજી
પાર્ક, ફુલસર ભાવનગર) ના કરંટ ખાતામાંથી રૂ. 3,50,00,000 તથા તળાજા બ્રાંચ ભાવનગરના બેંક
ખાતાધારક અગ્રવાત અનિલ ધર્મેશભાઇ (રહે.શાંતીવિલા બંગલો, ઉમા મંગલ હોલ પાસે સુરત)ના
બચત ખાતામાંથી રૂ.98,99,855 તથા ભરતનગર શાખા, ભાવનગરના ખાતા ધારક હરેશભાઈ મધુભાઈ વ્યાસ
(રહે.2109, દેવકા વિદ્યાપીઠ, દેવકા-કુંભારીયા, અમરેલી)ના ખાતામાંથી રૂ.
1,35,91,626 એમ કુલ રૂ.7,34,91,682 અલગ-અલગ બેંક ખાતાઓમાંથી રૂપિયા ટ્રાન્સફર કરી સાયબર
ફ્રોડ આચરવામાં આવ્યું હતું. 4 બ્રાંચમાં 4 ખાતા ધારકોના ખાતામાંથી 155 જેટલા ટ્રાન્ઝેક્શન
કરી ટ્રાન્સફર કરી લીધા હતાં. આ બનાવ સંદર્ભે બ્રાન્ચ મેનેજર આઈટી હેડ હાદકભાઇએ સીઆઈડી
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ગાંધીનગર ખાતે ફરિયાદ નોંધાવી છે.