• ગુરુવાર, 12 માર્ચ, 2026

WTC ફાઇનલનો રસ્તો શોધી લેવાનો ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ કોટકને વિશ્વાસ

T-20 વર્લ્ડ ચેમ્પિયન થયા પછી નવો ટાર્ગેટ સેટ કર્યો

નવી દિલ્હી, તા.11: ટીમ ઇન્ડિયા સતત બીજીવાર અને કુલ ત્રીજીવાર ટી-20 વિશ્વ કપ જીતીને ઇતિહાસ રચી ચૂકી છે. હવે ટી-20 વર્લ્ડ કપ પછી ટીમ ઇન્ડિયાએ કઠિન લક્ષ્યાંક નિશ્ચિત કર્યો છે. ભારતીય ટીમની નજર હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી) 202પ-27ના ફાઇનલમાં પહોંચવા પર છે. ભારતીય ટીમ સતત બે વાર 2019-21 અને 2021-23માં ડબ્લ્યૂટીસી ફાઇનલમાં પહોંચીને અનુક્રમે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે હારી હતી જ્યારે પાછલા ચક્રમાં ફાઇનલમાં પહોંચી ન હતી. આ વખતે પણ ટીમ ઇન્ડિયાની ફાઇનલની રાહ કઠિન છે. આમ છતાં બેટિંગ કોચ સિંતાશુ કોટકને ભરોસો છે કે અમે ડબ્લ્યૂટીસી ફાઇનલની રસ્તો શોધી લેશું.

બેટિંગ કોચ સિતાંશુ કોટકે એક મુલાકાતમાં જણાવ્યું કે, નિશ્ચિત રૂપે દબાણ ઘણું છે, પરંતુ રેડ બોલ ક્રિકેટમાં પણ અમારી ટીમ શાનદાર છે. મારું માનવું છે કે દ. આફ્રિકા સામે કોલકતમાં આપણે જે ટેસ્ટ મેચ હારી ગયા તેનું કારણ કપ્તાન શુભમન ગિલનું ઇજાગ્રસ્ત થવું હતું. જો કે એ વાત સાચી છે કે એ શ્રેણીમાં અમે સારી બેટિંગ કરી ન હતી.

કોટકે કહ્યું, અમારા ખેલાડી પણ ઇન્સાન છે. તેમનું પ્રદર્શન પણ ખરાબ થઈ શકે છે. મને વિશ્વાસ છે કે અમે લડત આપતા રહેશું અને ડબ્લ્યૂટીસી ફાઇનલમાં જગ્યા બનાવી લેશું. અમે અમારી યોજના બનાવી રહ્યા છીએ અને લક્ષ્ય હાંસલ કરી લેશું.

ભારતીય ટીમ ડબ્લ્યૂટીસી પોઇન્ટ ટેબલ પર હાલ 6 નંબર પર છે અને જીતની ટકાવારી 48.1પ છે. ભારતની હવે પછીની ડબ્લ્યૂટીસી રાઉન્ડની સિરીઝ શ્રીલંકા સામે છે. એ પહેલા અફઘાનિસ્તાન સામે એક ટેસ્ટ મેચ છે. જે આ ટૂર્નામેન્ટનો હિસ્સો નથી.

ઇ-પેપરના નવા શુલ્ક