• શુક્રવાર, 13 માર્ચ, 2026

ગેસ સંકટ વચ્ચે કેરોસીનનું પુનરાગમન

કેન્દ્રએ રાજ્યોને એલપીજીના વિકલ્પ તરીકે વધારાનો 40,000 કિલોલીટર કેરોસીનનો જથ્થો મોકલ્યો

ગામડામાં ગેસનો બાટલો લખાવવાની સમયમર્યાદા 45 દિવસની થઈ : એલપીજી સંકટ ઉપર સરકાર સખત, કાળાબજારી માટે થશે આકરી કાર્યવાહી

મોદીએ કહ્યું, ભારતની તૈયારી અન્ય દેશો કરતા મજબૂત

નવી દિલ્હી, તા. 12 : ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ભીષણ બની રહ્યું છે અને તેનો ભોગ ઊર્જા  આપૂર્તિ બની છે. સ્ટ્રેટ હોર્મુઝ બંધ થતા દેશમાં ક્રૂડ અને ગેસની અછતની ચિંતાએ લોકોમાં ડર બેસી ગયો છે. સૌથી વધારે ડર રાંધણ ગેસને લઈને જોવા મળી રહી છે. એક તરફ ઘરેલુ ઉપભોક્તા દ્વારા સતત બુકિંગ કરાવવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ મર્યાદિત થતા હોટલ અને રેસ્ટોરાંના મેન્યૂ ઉપર અસર જોવા મળી રહી છે. આ સ્થિતિમાં સરકાર દ્વારા સતત કહેવામાં આવી રહ્યું છે કે ભારત પાસે પર્યાપ્ત પુરવઠો છે. આ ઉપરાંત આપૂર્તિ સુનિશ્ચિત કરવા અને કાળાબજાર રોકવા માટે નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. યુદ્ધની અસરની આશંકા વચ્ચે દેશમાં કેરોસિનની વાપસી થઈ છે. કેન્દ્ર સરકાર તરફથી એલપીજીના વિકલ્પના રૂપમાં રાજ્યોને 40,000 કિલોલીટર વધુ કેરોસિન ફાળવ્યું છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં એલપીજી સિલિન્ડર બુક કરાવવા માટે 45 દિવસની સમયમર્યાદા કરી છે.

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું હતું કે એલપીજીના વિકલ્પ તરીકે રાજ્યોને વધારાનું 40,000 લિટર કેરોસિન ફાળવવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્ય સરકારો દ્વારા ચિન્હિત લાભાર્થીઓને કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, દેશમાં ક્રૂડની આપૂર્તિની સ્થિતિ વર્તમાન સમયે સંતોષજનક છે અને અંદાજીત એક લાખ પેટ્રોલ પંપમાં ક્યાંય પણ ઈંઘણ પૂરું થવાની સ્થિતિ નથી.  યુદ્ધની સ્થિતિમાં ઊર્જા આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે સરકારે ઘરેલુ ગેસ ઉપભોક્તાઓને પ્રાથમિકતા આપવા સહિતના અલગ અલગ પગલા ભર્યા છે. જેનાથી રાહત મળવાની સંભાવના છે. આ ઉપરાંત સરકાર દ્વારા કાળાબજાર અને જમાખોરી રોકવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એસ્મા લાગુ કરવામાં આવ્યો છે. સરકારે સામાન્ય એલપીજી સિલિન્ડર ધારકોને કહ્યું છે કે તેઓ ડરે નહી અને તમામને પર્યાપ્ત આપૂર્તિ માટે નક્કર પગલા ભરવામાં આવ્યા છે. ભારતે તેલ-ગેસ આપૂર્તિ માટે રશિયા, ઓસ્ટ્રેલિયા, અલ્જીરિયા, કેનેડા અને અમુક આફ્રિકી દેશો સાથે ખરીદીના સોદા કર્યા છે.

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી હતી કે પશ્ચિમ એશિયામાં ચાલતા યુદ્ધના કારણે રાંધણ ગેસ આપૂર્તિમાં બાધા અંગેની અફવા ઉપર ધ્યાન દેવામાં ન આવે. પીએમ મોદીએ મંત્રીઓને પણ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે વર્તમાન સમય લોકો સાથે મહત્તમ સંપર્ક જાળવી રાખવાનો છે. જેથી કોઈપણ પ્રકારની અફવા ફેલાય નહી. પીએમ મોદીએ આશ્વાસન આપ્યું હતું કે, ભારતની તૈયારીઓ અન્ય દેશો કરતા મજબૂત છે. સરકાર સતત મોનિટરિંગ કરી રહી છે અને તમામ એજન્સીઓ સતર્ક છે.

કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને ગુરુવારે તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને ડીજીપી સાથે બેઠક કરી હતી. જેનો હેતુ દેશમાં જરૂરી આપૂર્તિને કોઈપણ અડચણ વિના જાળવી રાખવાની પ્રક્રિયા સુનિશ્ચિત કરવાનો હતો. બેઠક અંદાજીત બે કલાક ચાલી હતી અને તેમાં પેટ્રોલિયમ-નેચરલ ગેસ, સૂચના અને પ્રસારણ, કંઝ્યુમર અફેર્સ સહિતના વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. બેઠકમાં એલપીજીની ઉપલબ્ધતાની સમીક્ષા કરવામાં આવી હતી અને આઠમી માર્ચે લાગુ કરવામાં આવેલા ઉપાયોની જાણકારી આપવામાં આવી હતી.

સૂત્રો અનુસાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એલપીજી સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જેમ કે બોટલિંગ પ્લાન્ટ, ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અને પરિવહન વાહનો આસપાસ સુરક્ષા વધારવા નિર્દેશ અપાયો હતો. આ સાથે સપ્લાઈ ચેનમાં જોડાયેલા કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા કહેવાયું હતું. સાથે નિર્દેશ અપાયો હતો કે સ્થાનિક એલપીજી આપૂર્તિની દરરોજ દેખરેખ કરવામાં આવે, તેમજ કોઈપણ પ્રકારના ઉલ્લંઘન કે કાળાબજાર સામે આકરી કાર્યવાહી કરવામાં આવે. જનતાની ચિંતાઓ દૂર કરવા અને ભ્રામક સૂચનાઓ ઉપર રોક મુકવા ગૃહ મંત્રાલયે રાજ્યો દ્વારા સીધા અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ મારફતે જાગૃતતા અભિયાન ચલાવવા કહેવાયું હતું.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક