• ગુરુવાર, 12 માર્ચ, 2026

ભારતે સાત દિવસમાં ખરીદ્યું ત્રણ કરોડ બેરલ રશિયન ક્રૂડ

            ફેબ્રુઆરી મહિનામાં કરેલી કુલ ખરીદી જેટલું ક્રૂડ અઠવાડિયામાં ભારતમાં ઉતર્યું : કિંમત વધારે ચૂકવી

નવી દિલ્હી, તા. 11 : અમેરિકાએ ભારતને રશિયન ક્રૂડી ખરીદવાની અસ્થાયી છૂટ આપતા જ ભારતીય કંપનીઓએ બજારમાં ઉપલબ્ધ લગભગ બધું રશિયન ક્રૂડ ખરીદી લીધું છે. કહેવાય છે કે માત્ર એક જ અઠવાડિયામાં ભારતીય રિફાઇનરીઓએ બજારમાં રહેલું 3 કરોડ બેરલ રશિયન ક્રૂડની ખરીદી કરી લીધી છે. જો કે આ ખરીદી 2થી 8 ડોલર વધુ કિંમતે થઈ હોવાનું પણ રિપોર્ટમાં સામે આવ્યું છે.

રિપોર્ટ અનુસાર ભારતીય કંપનીઓ દ્વારા ખરીદવામાં આવેલી ક્રૂડની માત્રા એટલી છે જેટલી રશિયા પાસેથી ભારતે ફેબ્રુઆરી મહિનામાં આયાત કરી હતી. ફેબ્રુઆરી મહિનામાં ભારતે રશિયા પાસેથી દરરોજ 11 લાખ બેરલ ક્રૂડ ખરીદ્યું હતું. ત્રણ કરોડ બેરલનો એક મોટો હિસ્સો પહેલા જ ટેન્કર ઉપર લોડ થઈ ચૂક્યો હતો. જો કે અમેરિકી દબાણના કારણે ભારતીય રિફાઇનરીઓ ખરીદી શકી નહોતી. જહાજો ઉપર લાદેલું રશિયન ક્રૂડ ભારતની આસપાસ દરિયામાં ફલોટિંગ સ્ટોરેજના રૂપમાં ભટકી રહ્યું હતું પણ ખરીદદારો મળી રહ્યા નહોતા. આ દરમિયાન હવે ભારતે કહ્યું છે કે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી થતી રહેશે અને આ માટે અમેરિકાથી મંજૂરીની જરૂરિયાત હોવાના દાવાને પણ ફગાવી દીધો છે. જો કે ભારતીય કંપનીઓએ રશિયા પાસેથી ક્રૂડ મોંઘી કિંમતે ખરીદ્યું છે. રશિયાનું ક્રૂડ ભારતીય રિફાઇનરીઓને ગ્લોબલ ક્રૂડ બેંચમાર્ક બ્રેંટ ક્રૂડથી 2-8 ડોલર પ્રતિ બેરલ સુધી વધુ કિંમતે મળ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક