સૌથી મોટી ક્રૂડ કંપની સાઉદી અરામકોએ કહ્યું, હોર્મુઝનો રસ્તો નહીં ખૂલે તો ગંભીર પરિણામ આવશે
નવી
દિલ્હી, તા. 12 : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલાં યુદ્ધે વૈશ્વિક ઊર્જા બજારને હચમચાવી
દીધી છે. સંઘર્ષનાં કારણે તેલ અને પ્રાકૃતિક ગેસની આપૂર્તિ બાધિત થઈ છે અને ઘણા દેશોને
ઉત્પાદન રોકવું કે ઘટાડવું પડયું છે. દુનિયાની સૌથી મહત્ત્વની ક્રૂડ આપૂર્તિ લાઈન મનતા
સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી જહાજોની અવરજવર લગભગ ઠપ થઈ છે. તેવામાં દુનિયાની સૌથી મોટી ક્રૂડ
કંપની સાઉદી અરામકોએ ચેતવણી આપી છે કે જો હોર્મુઝનો રસ્તો જલ્દી ખૂલશે નહીં તો વૈશ્વિક
ક્રૂડ બજારને વિનાશકારી પરિણામ ભોગવવું પડશે.
યુદ્ધનાં
કારણે ક્ષેત્રની ઘણી પ્રમુખ ઊર્જા પરિયોજનાઓ પ્રભાવિત થઈ છે. સાઉદી અરબે રાસ તનુરા
રિફાઇનરીનું સંચાલન રોકી દીધું છે અને ઉત્પાદનમાં પણ કાપ મૂક્યો છે. અબુધાબી નેશનલ
ઓઇલ કંપનીને પણ ડ્રોન હુમલા બાદ બંધ કરવામાં આવી છે. કુવૈતે પણ ઉત્પાદનમાં કાપ મૂક્યો
છે જ્યારે ઈરાકે દક્ષિણી તેલ ક્ષેત્રોમાં ઉત્પાદન 43 લાખ બેરલ પ્રતિ દિવસથી ઘટાડીને
13 લાખ બેરલ કરી દીધું છે. હોર્મુઝમાં ઘણા જહાજો ઉપર હુમલા થઈ ચૂક્યા છે અને સમુદ્રી
વીમા કંપનીઓ દ્વારા જોખમના વીમા ઉતારવાની પ્રક્રિયા બંધ કરી છે.