- ભંડારામાં ગેરકાયદે પ્રવૃત્તિઓના કથિત વીડિયોની તપાસના આદેશ : વહીવટદારે તાકીદની અસરથી પૂજારીઓ સહિત 11 સસ્પેન્ડ
જૂનાગઢ,
તા.12 : ગિરનાર પર્વત પર સ્થિત અંબાજી મંદિર ખાતેના ભંડારામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ
અને આસ્થાને ઠેસ પહોંચાડનારો કથિત વિડીયો બહાર આવ્યો છે, જેની ગંભીરતાને ધ્યાને લઈ
જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ એસ. ડી. એમ. જૂનાગઢને ઝીણવટભરી તપાસ કરીને અહેવાલ
સુપ્રત કરવા આદેશ આપ્યા છે. આ કથિત ઘટના સંદર્ભે
વહીવટી તંત્રના સંલગ્ન અધિકારીઓ દ્વારા જરૂરી તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે, સાથે
જ પ્રાથમિક તબક્કે પગલાં તરીકે કથિત વીડિયોમાં દેખાતા શખસોને ગિરનાર પર જવા માટે પ્રતિબંધ
પણ મૂકવામાં આવ્યો છે.
હાલ,
આ કથિત ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે, તપાસના અંતે ગિરનારની ગરિમા અને લાખો શ્રદ્ધાળુઓની
લાગણી ઠેસ પહોંચાડનાર જે કોઈ વ્યક્તિઓ હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કસૂરવાર
સામે દાખલારૂપ કડક કાયદાકીય પગલાઓ લેવામાં આવશે તેમ પણ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.
આ અંગે
ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવડા સાથે ટેલિફોનિક સંપર્ક
કરી આ કૃત્ય સનાતન ધર્મ માટે લાંછનરુપ ગણાવી જવાબદારો સામે દાખલા રૂપ સજા કરવા માગણી
કરી છે. તેવી રીતે ભૂતનાથના મહંત મહેશગીરીએ પણ આ કૃત્યની નિંદા કરી જવાબદારોને નશ્યત
કરવા અને તંત્ર મંજૂરી આપે તો મંદિરમાં શુદ્ધિકરણની ઈચ્છા વ્યક્ત કરી છે.
બીજી
બાજુ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી
શક્તિપીઠ અંબાજીના ભંડારામાં દારૂ અને નોનવેજની પાર્ટીના કથિત વીડિયો અંગે ખેદ વ્યક્ત
કરી જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માગણી કરી છે. મંદિરના વહીવટદાર અને સિટી મામલતદાર બારૈયાએ આ વિડીયો
ધ્યાને આવતા જ ગિરનાર પર દોડી જઈ પ્રાથમિક તપાસના આધારે મંદિરના 10 પૂજારી અને રસોયાને
તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી મંદિરમાં બે હંગામી પૂજારીઓની વરણી કરવામાં આવી છે. આ
બનાવે ગિરનાર ક્ષેત્રમાં ચકચાર પ્રસરાવી છે.
પ્રાંત અધિકારી ચરણાસિંહ ગોહિલે જણાવ્યું કે હું ત્રણ દિવસ ગાંધીનગર તાલીમમાં
આવ્યો છું તાલીમ પૂર્ણ થઈએ જુનાગઢ આવી આ ઘટનાની તપાસ કરી જવાબદારો સામે કડકમાં કડક
કાર્યવાહી અંગેનો અહેવાલ જિલ્લા કલેકટરને સુપ્રત કરવામાં આવશે.
જ્યારે
વહીવટદાર દ્વારા જે 11 પૂજારી અને રસોયાને સસ્પેન્ડ કરાયા છે તેમાંના કેટલાકે બચાવ
કર્યો છે કે આ કથિત વીડિયોમાં અમે ક્યાંય સામેલ ન હતા તેમ છતાં આંધળે બહેરું કૂટાયુ
હોય તેમ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ,તેમણે વીડિયોમાં દેખાતા જે કોઈ હોય તેની સામે પગલાં
ભરવા અને પોતાને ન્યાય અપાવવા આગામી દિવસોમાં જિલ્લા કલેકટર અને સરકારમાં રજૂઆત કરશે.