પૂણે, તા.12: ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયા નવા વિવાદમાં ફસાયો છે. તેના પર રાષ્ટ્રીય ધ્વજના કથિત અપમાનની પોલીસ ફરિયાદ થઇ છે. આ ફરિયાદ પૂણેના વકીલ વાજિદ ખાન બિડકરે કરી છે. તેમણે ક્રિકેટર હાર્દિક પંડયા વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહીની માગ કરી છે. વકીલ વાજિદ ખાને પોલીસને આ મતલબની લેખિત ફરિયાદ કરી છે. જે તેમણે શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે ટી-20 વિશ્વ કપની જીતની ઉજવણી વખતે હાર્દિક પંડયા ખભા પર તિરંગો લપેટીને મેદાન પર નાચે-કૂદે છે. આ ઉપરાંત પોતાની ગર્લફ્રેન્ડ મહિકા સાથે મંચ પર સૂઇ જાય છે. ત્યારે પણ તેના ખભા પર તિરંગા હોય છે. આ પ્રકારનો વ્યવહાર રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરે છે. આ મામલે હજુ સુધી હાર્દિક પંડયા તરફથી કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી.