આ તો હજી શરૂઆત છે... લોકસભામાં ક્રૂડ ઓઈલનો મુદ્દો ઉઠાવતા રાહુલે કર્યો એપસ્ટીનનો ઉલ્લેખ, હંગામો મચી ગયો : હરદીપ પુરીએ આપ્યો જવાબ, અછતનાં હાઉથી અફરાતફરી
નવીદિલ્હી,તા.12:
ઈરાન-અમેરિકાનાં યુદ્ધનાં પરિણામે સર્જાયેલી ઈંધણ કટોકટીનો મુદ્દો ઉઠાવતા લોકસભામાં
વિપક્ષનાં નેતા અને કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ તો હજી માત્ર
શરૂઆત છે અને આની બહુ માઠી અસરો થવાની છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ પેટ્રોલિયમ મંત્રી
હરદીપસિંહ પુરી તરફ ઈશારો કરીને એપસ્ટીન ફાઈલ્સનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેને પગલે ગૃહમાં
ભારે હંગામો મચી ગયો હતો. બીજીબાજુ પેટ્રોલિયમંત્રી પુરીએ રાહુલને જવાબ આપતાં કહ્યું
હતું કે, ઊર્જાનાં આધુનિક ઈતિહાસમાં આવો સમય અગાઉ કયારેય આવ્યો નથી. તેમ છતાં ભારતમાં
ઓઈલનો પર્યાપ્ત પુરવઠો છે અને હોર્મુઝ કરતાં વધુ ઓઈલ અન્ય સ્રોતો પાસેથી મેળવવામાં
આવેલું છે. વર્તમાનમાં જે તંગીની સ્થિતિ જોવા મળી રહી છે તે લોકોમાં અછતની આશંકાએ પેદા
થયેલી અફરાતફરીનું પરિણામ હોવાનું પણ તેમણે કહ્યું હતું.રાહુલ ગાંધીએ ગેસ અને ઓઈલનો
મુદ્દો ઉઠાવતાં કહ્યું હતું કે, ઈરાન અને અમેરિકા, ઈઝરાયલનાં યુદ્ધનાં કારણે ગંભીર
પરિણામો સર્જાવાનાં છે. દુનિયાનો 20 ટકા ઓઈલ પુરવઠો જ્યાંથી પસાર થાય છે તે હોર્મુઝનો
સાંકડો દરિયાઈ માર્ગ બંધ કરી નાખવામાં આવ્યો છે. આ પીડા તો હજી શરૂ થઈ છે. રેસ્ટોરાં,
હોટેલ બંધ થવા લાગી છે. એલપીજી માટે પણ બહુ જ ચિંતા છે. આ તો માત્ર શરૂઆત છે. જેની
સામે હરદીપ પુરીએ જવાબ આપતાં કહ્યું હતું કે, દેશમાં પેનિકનાં કારણે માગ વધી ગઈ છે.
ઓઈલ અને ગેસની દેશમાં કોઈ અછત નથી. ભારત લાંબા સમય માટે આવી સ્થિતિની પહોંચી વળવા માટે
તૈયાર છે.
રાહુલ
ગાંધીએ આગળ હરદીપ પુરી તરફ ઈશારો કરીને કહ્યું હતું કે, અમે કોયડો ઉકેલી લીધો છે અને
કોયડો સમજૂતી વિશે છે. આપણે અહીં એક સજ્જન બેઠા છે જે પેટ્રોલિયમ મંત્રી છે. તેમણે
પોતે જ કહ્યું હતું કે, તેઓ એપસ્ટીનનાં મિત્ર હતાં. રાહુલનાં આ વિધાન સાથે જ લોકસભામાં
હોબાળો મચી ગયો હતો. સ્પીકર ઓમ બિરલાએ રાહુલને ટોકતા કહ્યું હતું કે, જેની નોટિસ આપવામાં
આવી છે તેનાં વિશે જ બોલો. તેનાં સિવાય કંઈ બોલવાની મંજૂરી આપવામાં નહીં આવે. રાહુલે
આગળ કહ્યું કે, ઊર્જા સુરક્ષા બધા દેશોનો પાયો છે. આપણે કોની પાસેથી ઓઈલ અને ગેસ ખરીદવું
અને કોની પાસેથી નહીં તે અમેરિકાને નક્કી કરવા દેવું કેટલું વાજબી છે?
રાહુલનાં
આરોપોનો જવાબ આપતાં હરદીપ પુરીએ કહ્યું હતું કે, ભારતમાં ક્રૂડ ઓઈલનાં પુરવઠાની સ્થિતિ
સલામત છે. હોર્મુઝમાંથી મેળવવામાં આવતાં ઓઈલ કરતાં અન્યત્રથી વધુ ઓઈલ પ્રાપ્ત કરાયું
છે. હોર્મુઝ સિવાયનાં માર્ગેથી ઓઈલની આયાત 70 ટકા વધી ગઈ છે. રિફાઈનરીઓ 100 ટકા ક્ષમતાએ
કામ કરી રહી છે. પેટ્રોલ, ડીઝલ, કેરોસિન કે એટીએફની કોઈ જ તંગી નથી. આ દરમિયાન વિપક્ષે
એપસ્ટીનની નારાબાજી સાથે હંગામો ચાલુ રાખ્યો હતો.