ગ્રામ્ય પોલીસે અમરાપુરમાં દરોડો પાડી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો; મેટોડા GIDCમાં બેરલમાં છુપાવેલો દારૂનો જથ્થો મળતા ચકચાર
રાજકોટ,
તા.7: રાજકોટ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. એક જ
દિવસમાં બે અલગ-અલગ દરોડામાં રાજકોટ ગ્રામ્ય અને શહેર પોલીસે મોટી સફળતા મેળવી છે.
વીંછિયા તાલુકાના અમરાપુર ગામે ધમધમતી નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ
થયો છે, જ્યારે લોધિકાના મેટોડા GIDC
વિસ્તારમાં પશુ આહાર (ખાણ)ની આડમાં ટ્રકમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂ અને બિયરનો
મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
પ્રાપ્ત
વિગતો મુજબ,રાજકોટ ગ્રામ્ય પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વીંછિયાના અમરાપુર ગામની
સીમમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં આરોપીઓ દ્વારા બ્રાન્ડેડ કંપનીના ખોખા અને નકલી
સ્ટીકરોનો ઉપયોગ કરી વિદેશી દારૂ બનાવવામાં આવતો હતો. પોલીસે સ્થળ પરથી દારૂ બનાવવા
માટેનું કેમિકલ, સ્પિરિટ, ખાલી બોટલો, બૂચ અને પાકિંગ મશીનરી સહિત 1.48 લાખનો મુદ્દામાલ
કબજે કર્યો છે. આ કેસમાં સંડોવાયેલા આ મામલે હિતેશ વીરાભાઈ સોલંકી, પ્રદીપ કાળુભાઈ
સાગઠિયા, રણજીત નાથાભાઈ વાસાણી અને બે સગીર વયના બાળકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો
છે. શખ્સોની ધરપકડ કરી તેમના નેટવર્કની તપાસ તેજ કરવામાં આવી છે.
બીજી
તરફ, લોધિકા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશનમાં મેટોડા GIDC માં એક શંકાસ્પદ ટ્રકની તલાશી
લેવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે ઉપરથી પશુ આહાર (પશુ
દવા/ખાણ) દેખાતા બેરલની અંદર પ્લાસ્ટિકની કોથળીઓમાં પેક કરેલી વિદેશી દારૂની બોટલો
અને બિયરના ટીન છુપાવવામાં આવ્યા હતા. બુટલેગરોએ પોલીસને છેતરવા માટે આ અનોખી મોડસ
ઓપરેન્ડી અપનાવી હતી, પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ કૌભાંડ ખુલ્લું
પડયું છે.
આ બંને
દરોડામાં પોલીસે કુલ મળીને લાખો રૂપિયાનો મુદ્દામાલ, વાહનો અને મોબાઈલ ફોન જપ્ત કર્યા
છે. પોલીસ અધિક્ષક (SP) ના જણાવ્યા મુજબ, આગામી સમયમાં
દારૂના વેચાણ અને હેરાફેરી કરનારા તત્ત્વો સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવવામાં આવશે.
આ ગુનામાં મુખ્ય સપ્લાયર કોણ છે અને આ જથ્થો ક્યાં મોકલવાનો હતો તે દિશામાં હાલ વધુ
તપાસ ચાલુ છે.