• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

તળાજા નજીક અકસ્માતમાં પતિ-પત્નીનું મૃત્યુ દવા લઈ બાઇક પર પરત ફરતા દંપતીનો કાર સાથે અકસ્માત સર્જાયો

(ફૂલછાબ ન્યુઝ)

તળાજા તા.6 :  તળાજાના દિહોર ગામનું શ્રમજીવી દંપતી આજે બપોરના સમયે ઠાડચ ગામેથી દવા લઈ બાઇક પર પરત ફરી રહ્યું હતું. આ સમયે બાઇક અને કાર વચ્ચે કુંઢેલી નજીક અકસ્માત સર્જાયો હતો. દંપતીને ગંભીર ઇજાઓ થતા તળાજાથી ભાવનગર હોસ્પિટલમા રીફર કરવામાં આવ્યા હતા. ભાવનગર પૂરતી સારવાર મળે તે પહેલાં જ દંપતીએ અડધા કલાકના અંતરે જ અનંતની વાટ પકડી હતી.

છેલ્લા પંદરેક દિવસ દરમ્યાન એકપણ દિવસ તળાજા પંથક માટે અકાળે મોતના વાવડ મળ્યા ન હોય તેવું બન્યું નથી. એક તરફ લગ્ન સિઝન ચાલી રહી છે તો બીજી તરફ અકસ્માતે અથવા તો આપઘાત દ્વારા યમના તેડા આવી રહ્યા છે. દિહોર ગામના દંપતિ દલપતભાઈ ખાટાભાઈ દિહોરા, કાંતાબેન દલપતભાઈ દિહોરા બપોરે આશરે 3.45 દરમ્યાન બાઇક પર સવાર થઈને કુંઢેલી નજીકથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે કાર સાથે અકસ્માત સર્જાયો હતો. દંપતીને ગંભીર ઇજાઓ સાથે તળાજા અને અહીંથી અલગ અલગ બે 108માં બંનેને ઓક્સિજનની જરૂર હોય ભાવનગર વધુ સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. પાંચ પીપળા પસાર કરતા જ કાંતાબેનએ અંતિમ શ્વાસ લીધા હતા. ભાવનગર ખાતે પહોંચતા દલપતભાઈએ પણ ફાની દુનિયા છોડી દીધી હતી. બંનેના મૃત્યુને લઈ અરેરાટી ફેલાઈ ગઈ હતી. બંને ઇજાગ્રસ્તને તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે લાવતા તેઓની સાથે કોઈ ન હોય આસપાસના વેપારીઓ જે નિયમિતપણે સેવાભાવે દોડી જાય છે તેવા વિજયભાઈ ધાંધલ્યાં, ઓમકાર દાતવાળા, ફકીર સમાજના પ્રમુખ હુસેનભાઈ દલ સહિતના દોડી ગયા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક