કડીમાં 8 અને વિસાવદરમાં 16 ઉમેદવારો મેદાનમા : ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ
અમદાવાદ, તા.17 : ગુજરાત વિધાનસભાની
કડી અને વિસાવદર બેઠકની પેટાચૂંટણી માટે આજે 17 જૂન સાંજે 5 વાગ્યા પછી ચૂંટણી પ્રચારના
પડઘમ શાંત થઈ ગયા છે. ચૂંટણી પંચના નિયમો અનુસાર મતદાન પૂર્વે 48 કલાક માટે દરેક પ્રકારના
ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. 19 જૂનના રોજ મતદાન હોવાથી આજરોજ સાંજે
5 વાગ્યા બાદ પ્રતિબંધ અમલી બન્યો છે. આવતીકાલે દરેક ઉમેદવારો ખાટલા બેઠકો તેમજ ડોર
ટુ ડોર પ્રચાર કરશે.
ચૂંટણી પ્રચારના પ્રતિબંધનો અમલ
શરૂ થતાં મત વિસ્તારની હદ બહારથી આવેલા રાજકીય કાર્યકરો કે પક્ષના પ્રચારકોને વિસ્તારમાંથી
તાત્કાલિક બહાર જવા આદેશ આપવામાં આવ્યો છે. વહીવટીતંત્રે મોનિટારિંગ અને સઘન તપાસ કરવાનો
દાવો કર્યો છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ-126 અનુસાર મતદાન પૂર્વના 48 કલાક
દરમિયાન ટેલિવિઝન, રેડિયો, પત્રિકા, સોશિયલ મીડિયા કે અન્ય કોઈ માધ્યમ મારફતે ચૂંટણી
પ્રચાર કે મતદારોને પ્રભાવિત કરતી જાહેરાતો આપવી કે પ્રસારીત કરવા પર પ્રતિબંધ છે.
વિસાવદર બેઠક ઉપર લેઉવા પાટીદારના
મતદારો નિર્ણાયક : વિસાવદર બેઠક ઉપર ભાજપના કિરીટ પટેલ, કોંગ્રેસના નીતિન રાણપરિયા
અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. આ બેઠક ઉપર સૌથી વધુ
લેઉવા પાટીદાર સમાજના મતદારો છે. લેઉવા પાટીદાર મતદારો જે ઉમેદવાર તરફ ઢળે તેની જીત
પાક્કી હોય છે. આ બેઠક પર વર્ષ 2007ની ચૂંટણીથી ભાજપનો કોઈ ઉમેદવાર જીતી શક્યો નથી.
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો મેળવી ત્યારે પણ વિસાવદર બેઠક પર આમ
આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ ભાજપના હર્ષદ રિબડીયાને 7,063 મતે હરાવ્યા હતા. વિસાવદર
બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાતો રહ્યો છે. ભૂપત ભાયાણી વર્ષ
2023માં ધારાસભ્યપદેથી રાજીનામુ આપી આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાઈ ગયા હતા. તેથી
બેઠક ખાલી પડતાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે.
વિસાવદર વિધાનસભા બેઠકનો રાજકીય
ઈતિહાસ જોઇએ તો, 1962ની પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર મદીનાબેન
નાગોરી જીત્યા હતા. 1967માં સ્વતંત્ર પક્ષના કુરજી ભેંસાણીયા વિજયી બન્યા હતા.
1972ની ચૂંટણીમાં કોંગ્રેસના રામજીભાઈ કરકર વિજયી બન્યા હતા. 1975માં કિસાન મજદૂર પ્રજા
પાર્ટીના કુરજી ભેંસણીયા જીત્યા હતા. 1980 અને 1985માં કોંગ્રેસના ધીરજ રિબડીયા વિજયી
બન્યાં હતાં.1995માં ભાજપને પ્રથમ વિજય પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે અપાવ્યો હતો.
કેશુભાઈ પટેલ ભાજપમાંથી 1995 અને 1998માં અને ગુજરાત પરિવર્તન પાર્ટી તરફથી 2012માં
વિજયી થયાં હતાં. ભાજપ 2007 બાદ વિસાવદર બેઠક પર જીત મેળવી શક્યું નથી. કોંગ્રેસના
હર્ષદ રિબડીયા 2014ની પેટા ચૂંટણી અને 2017ની વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. 2022 પહેલા
હર્ષદ રિબડીયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા અને આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી સામે
હાર્યા હતા. 2002 અને 2007ની બંને વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કનુ ભાલાળા વિજયી બન્યા
હતા. વર્ષ 2007 બાદ વિસાવદર બેઠક પર વિરોધપક્ષના ઉમેદવારોને મતદારો જીતાડતા આવ્યા છે.
કડી બેઠક ઉપર ઓછી લીડથી વિજેતા
બને છે ઉમેદવાર : કડી બેઠક ઉપર ભાજપના રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસના રમેશ ચાવડા અને
આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. કડી બેઠક વર્ષ 2012ના નવા
સીમાંકન બાદ અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત જાહેર થઈ છે. 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના
રમેશ ચાવડાએ ભાજપના હિતુ કનોડિયાને 1,217 મતે હરાવ્યા હતા. 2017 અને 2022માં ભાજપના
કરસન સોલંકીએ 2017માં કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા અને 2017માં પ્રવિણ પરમારને હરાવી
વિજય હાંસલ કર્યો હતો. અનામત બેઠક પહેલા કડી સામાન્ય બેઠક હતી ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી
નીતિન પટેલ 1990 થી 2007 સુધીમાં ચાર વખત વિજયી બન્યા હતા. જ્યારે 2002ની વિધાનસભા
ચૂંટણીમાં કોંગ્રેસના બળદેવજી ઠાકોરે નીતિન પટેલને હરાવ્યા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં
વિજેતા ભાજપના કરસન સોલંકીનું નિધન થતા પેટા ચૂંટણી યોજાઈ રહી છે.
કડી બેઠકનો રાજકીય ઈતિહાસ જોઇએ
તો, કડી બેઠક પર જાતિવાદનું રાજકારણ ઘણી અસર કરે છે. આ બેઠક પર સૌથી વધુ પાટીદાર અને
ઠાકોર મતદારો છે. અનુસૂચિત જાતિના મતદારોની સંખ્યા પણ વિશેષ છે. કડી બેઠક 1975માં ભારતીય
જનસંઘે જીતી હતી. 1990માં ભાજપે પહેલી વાર કડી બેઠક પર વિજય પ્રાપ્ત કર્યો. ભાજપના
નીતિન પટેલ કડી વિધાનસભા બેઠક પરથી 1990, 1995, 1998 અને 2007 એમ ચાર વખત વિજયી બન્યા
છે. ગોધરાકાંડ બાદ 2002માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના બળદેવજી ઠાકોર વિજેતા
થયા હતા. જ્યારે 2007માં ભાજપના નીતિન પટેલ વિજયી બન્યા હતા. 2012ના નવા સીમાંકન બાદ
બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત જાહેર થતા નીતિન પટેલને મહેસાણા વિધાનસભા
બેઠક પરથી ચૂંટણી લડવી પડી હતી. આ બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત છે.
2012માં હિતુ કનોડિયાને કોંગ્રેસના રમેશ ચાવડાએ 1,217 મતે હરાવ્યા હતા.