• શુક્રવાર, 10 મે, 2024

સંપત્તિ સરવે : કોંગ્રેસનો લૂઝ ‘બોલ’

ખાનગી સંપત્તિની મોજણી કરાવવાનો મુદો કોંગ્રેસે ચૂંટણી ઘોષણાપત્રમાં જાહેર કરતાની સાથે જ અપેક્ષિત વિવાદ છેડયો છે. વિપક્ષે તેને કોંગ્રેસનો છુપો એજન્ડા ગણાવી દેતા કોંગ્રેસ બેકફૂટ પર જતી રહી છે તેમાં પણ કોંગ્રેસના વૈશ્વિક પારિવારિક મિત્ર સામ પિત્રોડાએ સંપત્તિ સર્વે અંગે કરેલા નિવેદનથી કોંગ્રેસની મુશ્કેલી વધી છે. આવો અવસર મળે ત્યારે વળતો પ્રહાર કરીને લોકોને બરાબર પોતાનો સંદેશ પહોંચાડવાની પરંપરા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ વખતે પણ નિભાવી છે. 

ઈન્ડીયન ઓવરસીસ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ કહ્યું કે, અમેરિકામાં વારસાઈ કરની જોગવાઈ છે. કોઈનું મૃત્યુ થાય તો તેના વારસદારોને ફક્ત 45 ટકા મળે છે 55 ટકા સંપત્તિ કે રકમ સરકાર પોતાના હસ્તક લઈ લે છે. આ મુદાની ચર્ચાની તેમણે હિમાયત કરી છે અને કોંગ્રેસ પક્ષ આવી નીતિ બનાવશે તેવું પણ કહ્યું છે. તેમને ખ્યાલ હશે કે નહીં પરંતુ ભાજપના હાથમાં તેમણે બહુ જ સંવેદનશીલ મુદો સાવ સરળતાથી આપી દીધો છે. જો આ વાતનો અમલ થાય તો પ્રજા પોતાની મહેનતથી જે કંઈપણ કમાય તે આખરે સરકાર છિનવી લે તેવો ઘાટ થાય. યોગાનુયોગ રાહુલ ગાંધી સંપત્તિની વહેંચણી વિશે વાત કરી ચૂક્યા છે.

અગાઉ સોનિયા ગાંધી, મણિશંકર અય્યર સહિતના નેતાઓના નિવેદન પછી ભાજપને પ્રતિપ્રહાર કરવાનો અવસર મળ્યો હોવાના દાખલા મોજુદ છે. ચૂંટણી દરમિયાન કે તે અગાઉ કોંગ્રેસ એવું કંઈક બોલે કે જેનો જવાબ આપવાને બદલે વડાપ્રધાન એ જ વાતને વળતો મુદો બનાવી શકે છે. અહીં પણ એ જ સ્થિતિ સર્જાઈ છે. વડાપ્રધાન જાહેરસભાઓમાં સ્પષ્ટ કહે છે કે, કોંગ્રેસની નજર જનતાની સંપત્તિ પર છે. જો કે, કોંગ્રેસે આ નિવેદનને સામ પિત્રોડાનો અંગત વિચાર ગણાવ્યું છે છતાં ભાજપના અસરકારક આક્રમણને લીધે કોંગ્રેસ બચાવની ભૂમિકામાં છે.

સામ પિત્રોડા કે કોંગ્રેસનો દૃષ્ટિકોણ જે હોય તે પરંતુ તેનો સીધો અર્થ તો અત્યારે પ્રજાકીય સંપત્તિ પર તરાપ આવી રહી હોવાનો નીકળી રહ્યો છે. ભલે સામ પિત્રોડા જે કહે તે કોંગ્રેસનું અંતિમ નિવેદન ન પણ ગણી શકાય પરંતુ ચુનાવી મેદાનમાં તેમણે ફેંકેલો આ દડો બરાબર ભાજપના હાથમાં આવી ગયો છે અને તેણે સીક્સર લગાવી છે. બીજી રીતે કહીએ તો કોંગ્રેસના આ શબ્દો લુઝ એટલે કે, ઢીલા સાબિત થયા છે અને ભાજપે વળતો જવાબ આપ્યો છે. જો આ કોંગ્રેસનો છુપો એજન્ડા હોય તો પ્રજા પણ તેના પર ગંભીરતાથી વિચાર કરે તે સ્વાભાવિક પણ છે આવશ્યક પણ છે.

ઇ-પેપરના નવા શુલ્ક