• સોમવાર, 20 મે, 2024

જન્મભૂમિ ગ્રુપના સીઈઓ, મેનેજિંગ એડિટર કુન્દનભાઇ વ્યાસને પદ્મભૂષણ પુરસ્કાર અર્પણ

જન્મભૂમિ ગ્રુપ ઓફ ન્યૂઝ પેપરના સીઈઓ, મેનેજિંગ એડિટર કુન્દનભાઈ વ્યાસને ગુરુવારે સાંજે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા એક જાજરમાન અને ગરિમાપૂર્ણ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનવામાં આવ્યા હતા.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ. જયશંકર સહિતના મહાનુભાવો, પદ્મ પુરસ્કાર મેળવનાર અન્ય વ્યક્તિવિશેષની ઉપસ્થિતિમાં કુન્દનભાઈએ આ સન્માનનો સ્વીકાર કર્યો ત્યારે જન્મભૂમિ, ફૂલછાબ તથા કચ્છમિત્ર અને વ્યાપાર પરિવારે હર્ષની લાગણી અનુભવી હતી. આ ક્ષણ ગુજરાતી પત્રકારત્વ માટે પણ ગૌરવની ક્ષણ હતી. જન્મભૂમિ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હાર્દિકભાઈ મામણિયા તથા અન્ય સૌ ટ્રસ્ટીશ્રીઓએ આ અવસરે હર્ષ વ્યક્ત કરી કુન્દનભાઈને અભિનંદન પાઠવ્યા હતા. 

 

રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ પુરસ્કારો એનાયત

‘જન્મભૂમિ પત્રો’ના મુખ્ય તંત્રી કુન્દનભાઈ વ્યાસ પદ્મભૂષણથી સન્માનિત

નવી દિલ્હી, તા. 9 : રાષ્ટ્રપતિ ભવનના ઐતિહાસિક દરબાર હૉલમાં ગુરુવાર, નવમી મેએ વર્ષ 2024ના પદ્મ પુરસ્કાર એનાયત સમારોહ-2 યોજાયો હતો. આ સમારંભમાં પદ્મવિભૂષણ એવૉર્ડથી અભિનેત્રી વૈજયંતીમાલા બાલી અને અભિનેતા કોનિડેલા ચિરંજીવીને સન્માનિત કરાયાં હતાં. જન્મભૂમિ પત્રોના મુખ્ય તંત્રી કુન્દનભાઈ વ્યાસ તથા અન્ય મહાનુભાવોને રાષ્ટ્રીય સન્માન પદ્મભૂષણથી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં ઉપ-રાષ્ટ્રપતિ  જગદીપ ધનખડ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, વિદેશપ્રધાન એસ. જયશંકર જેવા મહેમાનોની ઉપસ્થિતિમાં વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનારા દેશના ગણમાન્ય વ્યક્તિ વિશેષોને પદ્મ પુરસ્કારો એનાયત કરાયા હતા.  સરકારે આ વર્ષે જાહેર કરેલા નાગરિક રાષ્ટ્રીય પુરસ્કારોમાં સર્વોચ્ચ ભારત રત્ન પુરસ્કાર પાંચ હસ્તીઓને (ચાર મરણોત્તર), પાંચ પદ્મવિભૂષણ, 17 પદ્મભૂષણ અને 110 પદ્મશ્રી પુરસ્કાર જાહેર કર્યા છે. અગાઉ બાવીસ એપ્રિલે યોજાયેલા પદ્મ પુરસ્કાર એનાયત સમારોહ-1માં રાષ્ટ્રપતિના હસ્તે ત્રણ પદ્મવિભૂષણ, આઠ પદ્મભૂષણ અને પંચાવન પદ્મશ્રી પુરસ્કારો એનાયત કરાયા હતા. આ વખતે કુલ 132 મહાનુભાવોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.      

 

સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ દ્વારા અભિનંદન વર્ષા

ભુજ, તા. 9 : જન્મભૂમિ અખબાર જૂથના મુખ્યતંત્રી અને સી.ઇ.ઓ. કુન્દનભાઈ વ્યાસને આજે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હાથે પદ્મભૂષણ સન્માન એનાયત થતાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ગૌરવશાળી ઇતિહાસમાં સોનેરી પ્રકરણ ઉમેરાયું છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઇ મામણિયા અને અન્ય ટ્રસ્ટીઓએ પ્રતિભાવમાં ગૌરવની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ન માત્ર જન્મભૂમિ પત્રો બલ્કે સમગ્ર ગુજરાતી પત્રકારત્વ અને પ્રિન્ટ મીડિયા માટે આ પ્રસંગ ઐતિહાસિક છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓ ગૌતમભાઇ ત્રિવેદી, પ્રીતિબેન મહેતા, પ્રણવભાઇ અદાણી અને સંજયભાઇ એન્કરવાલાએ પણ કુન્દનભાઈને અભિનંદન પાઠવીને ગૌરવની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અખબારોની મૂલ્યનિષ્ઠા અને પ્રજાલક્ષી પત્રકારત્વનું આ સન્માન છે.કુન્દનભાઈએ છ દાયકાથી વધુ સમય પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય રહીને એક જાગૃત પ્રહરી તરીકે સમાજની અને દેશની સેવા કરી છે. તેમના નીડર અહેવાલો અને માર્મિક રાજકીય સમીક્ષાની અખબારી દુનિયામાં નોંધ લેવાતી રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદમાં મદરેસામાં સરવે માટે ગયેલા આચાર્ય પર હુમલો કરનારા બેની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચનું દરિયાપુરની સૈયદ સુલતાના મસ્જિદમાં સર્ચ ઓપરેશન May 20, Mon, 2024