• સોમવાર, 20 મે, 2024

અલીબાબાના ખજાના : ઈ.ડી.નું સીમ સીમ...

ઈ.ડી.ની કાર્યવાહી સામે વિપક્ષો કાગારોળ મચાવે છે. ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે સંવિધાન બચાવવાની વાતો થાય છે. ઇન્ડિ મોરચો ઊભો થયો છે પણ મોદીએ ઈ.ડી.ને છૂટો હાથ આપ્યો છે. બંગાળ અને ઝારખંડમાં ભ્રષ્ટાચારીઓએ ચલાવેલી લૂંટના ખજાના પકડાયા છે. દેશ આખાએ અલીબાબાઓના ખજાનાઓ ઉપર પડેલા દરોડા અને પાંચસો-ની નોટોના ખડકલા નહીં, ખડકાયેલા ડુંગર જોયા છે પણ ભ્રષ્ટાચારીઓને શરમ નથી. રંગે હાથ પકડાયા, પુરાવાના કાગળિયા જપ્ત થયા તો પણ હાથ ઊંચા કરે છે. આ નાણાં ક્યાંથી આવ્યાં? અમે જાણતા નથી...! પણ ઈ.ડી.નું અભિયાન - ખુલ જા સીમ સીમ જારી રહેશે.

ઝારખંડ ગ્રામીણ વિકાસ પ્રધાન આલમગીર આલમના અંગત મદદનીશ સંજીવ લાલના ઘરે દરોડો પાડીને 35.23 કરોડ રૂપિયા રોકડા ઈ.ડી.એ જપ્ત કર્યા છે. ઈ.ડી.ના જણાવ્યા પ્રમાણે આ રોકડ એક મકાનમાં મોટી મોટી બૅગોમાં રાખવામાં આવી હતી. ઈ.ડી.એ ઝારખંડના વિધાનસભ્ય 70 વર્ષના કૉંગ્રેસ નેતા આલમગીર આલમ સાથે સંજીવ લાલ અને જહાંગીરની ધરપકડ કરી છે.

નવેમ્બર 2019માં એન્ટિકરપ્શન બ્યૂરોએ ગ્રામીણ વિકાસ વિભાગના ચીફ એન્જિનિયર વીરેન્દ્ર રામના અધીન કામ કરતા જુનિયર એન્જિનિયર સુરેશ પ્રસાદ વર્માને એક ઠેકેદારની ફરિયાદ પર 10 હજારની લાંચ લેતાં પકડયા હતા. સુરેશ વર્માનાં સ્થળોએ છાપા મારવામાં આવ્યા તો 2.44 કરોડ રોકડા મળ્યા હતા. ત્યારે સુરેશ વર્માએ દાવો કર્યો હતો કે રૂપિયા વીરેન્દ્ર રામના છે. આ પછી ઈ.ડી.ની એન્ટ્રી થઈ હતી. ઈ.ડી.ની તપાસમાં ગ્રામીણ વિકાસ વિભાગ અને ગ્રામીણ કાર્ય વિભાગમાં ફેલાયેલો ભ્રષ્ટાચાર પણ ખુલ્લો થયો હતો. તપાસમાં જણાયું હતું કે વિભાગમાં દરેક ઠેકાના વિતરણ પર 3.2 ટકા કમિશન નક્કી હતું, જેમાં વીરેન્દ્ર રામનું 0.3 ટકા કમિશન રહેતું હતું. કમિશનના રૂપિયાની નેતાઓ, અધિકારીઓ અને એન્જિનિયરોની સિન્ડિકેટની વચ્ચે વહેંચણી થતી હતી. આ દરમિયાન સૌથી પહેલાં વિભાગીય પ્રધાન આલમગીર આલમ, તેમના ઓએસડી સંજીવ લાલ સહિત અન્યની ભૂમિકાની તપાસ શરૂ થઈ હતી.

ઝારખંડના ગ્રામીણ વિકાસ વિભાગમાં ભ્રષ્ટાચારનાં મૂળિયાં કેવી રીતે ઊંડાં ગયાં છે તેના ઉપર પ્રકાશ પડી રહ્યો છે. ઝારખંડની ગણતરી દેશનાં ગરીબ રાજ્યોમાં થાય છે, પરંતુ ત્યાંના ભ્રષ્ટ નેતાઓ અને અમલદારશાહી બન્ને હાથથી લૂંટવા લાગ્યા છે. ખુદ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનના કહેવાતા જમીન કૌભાંડમાં અઢીસો કરોડની સંપત્તિ જપ્ત થઈ ચૂકી છે. એક બીજા માજી મુખ્ય પ્રધાન મધુ કોડા પણ ભ્રષ્ટાચારના આરોપમાં જેલ જઈ આવ્યા છે. હાલમાં જ ઝારખંડના કૉંગ્રેસ સાંસદ ધીરજ સાહુને ત્યાંથી ઈન્કમ ટૅક્સ વિભાગે રોકડા સાડા ત્રણસો કરોડ રૂપિયા જપ્ત કર્યા છે.

ઝારખંડ કેવી રીતે કૌભાંડોથી ખદબદતું રાજ્ય બની ગયું છે તેનાં અનેક ઉદાહરણો છે. આમાં મનરેગા કૌભાંડ પણ છે. આ કૌભાંડની તપાસમાં આઈએએસ પૂજા સિંઘલના પતિના સીએના ત્યાંથી 20 કરોડ રોકડા મળ્યા હતા. શરાબ કૌભાંડને પણ ઝારખંડમાં અંજામ આપવામાં આવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક