• સોમવાર, 20 મે, 2024

ઇફ્કોની ચૂંટણીમાં ગુજરાતના ડિરેક્ટર પદે જયેશ રાદડિયાની જીત

ક્ષ          આજે ચેરમેનની વરણી માટે બોર્ડ મળશે : રાદડિયાએ ભાજપના ઉમેદવાર સામે ઉભા રહીને વિજય મેળવ્યો

અમદાવાદ, રાજકોટ,  તા. 9(ફૂલછાબ ન્યૂઝ) : ઇફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં રાજકોટ જિલ્લા બેન્કના ચેરમેન જયેશ રાદડિયાની જીત થઈ છે. ભાજપે બિપિન ગોતાને મેન્ડેટ આપ્યો હોવા છતાં જયેશ રાદડિયાએ પાર્ટીના નિર્ણયથી ઉપરવટ જઈ ફોર્મ ભર્યું હતું. આમ પાર્ટીની જ વિરુદ્ધ જઈ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને બાદમાં તેમની જીત પણ થઈ છે. આમ હવે 21 સભ્યનું બોર્ડ પૂર્ણ થતાં આવતીકાલે દિલ્હીમાં ચેરમેનની ચૂંટણી થશે, જેમાં મોટેભાગે દિલીપ સંઘાણી રિપીટ થાય એવી શક્યતા છે.

બિપીન પટેલ સામે રાદડિયાને 100થી વધુ મત મળ્યા છે. જેનાં પગલે હવે ફરી એકવાર જયેશ રાદડિયા ઇફ્કોના ડિરેક્ટર બન્યા છે. ઇફ્કોના ડિરેક્ટર પદની ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં હતાં. જેમાં કુલ 182 મતમાંથી 180 મત પડયા હતા. આ 180 મતમાંથી જયેશ રાદડિયાને 114 મત મળ્યા હતા જ્યારે તેના નજીકના હરીફ બિપિન ગોતાને 66 મત જ મળ્યા હતા.

નોંધનીય છે કે, ગુજરાતના પ્રતિનિધિ તરીકે ભાજપ તરફથી ગુજરાતના ઉમેદવાર તરીકે સહકાર સેલના વડા બિપીન ગોતાનાં નામને મેન્ડેટ આપવામાં આવ્યું હોવા છતાં મેન્ડેટની ઉપરવટ જઈને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું હોવાથી જયેશ રાદડિયા સામેનો પક્ષના મોભીઓનો આક્રોશ વધી ગયો હતો. અગાઉ ગુજરાતના દરેક જિલ્લા અને શહેર પ્રમુખને મેન્ડેટની કોપી મોકલીને તથા ફોનથી સંદેશ આપીને જાણ કરી હોવાનું ગુજરાતના તમામ 181 મત બિપીન ગોતાની તરફેણમાં પડે તેની તકેદારી લેવાની સૂચના પણ આપી દેવામાં આવી હતી છતાંય મેન્ડેટની પોતાને જાણ જ ન હોવાનું બહાનું જયેશ રાદડિયાએ આગળ કર્યું હતું અને ફોર્મ ભર્યું હતું.

ચૂંટણી અંગે ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું કે, 21 સભ્યનું ઇફ્કોનું બોર્ડ હોય છે. એમાં 1 મહિલા અનામત અને 8 રાજ્ય કત્રાની બેઠક હોય છે. 12 અન્ય સભ્યો હોય છે. 21માંથી કુલ 14 સભ્ય બિનહરીફ થયા હતા અને 7 સભ્યો માટે ચૂંટણી થઈ હતી. જે પૂર્ણ થતા હવે આવતીકાલે બોર્ડ મળશે. જેમાં ચેરમેનની વરણી થશે. તેમણે ઉમેર્યું કે, કોઈ ઉમેદવાર સામે ન આવે તો બિનહરીફ વરણી થશે એ સિવાય મતદાન થશે. ચેરમેનની જવાબદારી સભ્યો સોંપે તો પોતે તૈયાર હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદમાં મદરેસામાં સરવે માટે ગયેલા આચાર્ય પર હુમલો કરનારા બેની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચનું દરિયાપુરની સૈયદ સુલતાના મસ્જિદમાં સર્ચ ઓપરેશન May 20, Mon, 2024