પશ્ચિમ
એશિયાના યુદ્ધનું ટીવી પર આવતા કાર્યક્રમ જેવું થઈ ગયું છે, વાર્તામાં રસપ્રદ વળાંક
આવતા જ બ્રૅક આવે, બધું સમુંસૂતરું ચાલી રહ્યું છે એવું લાગે ત્યાં જ તાનપલટો આવે.
યુદ્ધવિરામ વચ્ચે સતત ચાર દિવસથી અમેરિકા ઈરાન પર હુમલા કરી રહ્યું છે. તો, તહેરાન
વાશિંગ્ટનના મિત્ર દેશોનાં અૉઈલ ટેન્કર જહાજોને હોર્મુઝમાં નિશાન બનાવી વેર વાળી રહ્યું
છે. આના પગલે જુલાઈમાં ક્રૂડ અૉઈલના ભાવ સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા છે. 14મી જૂને બન્ને
દેશોએ કરેલી સમજૂતી હેઠળ 60 દિવસ માટે યુદ્ધ બંધ રાખી વાટાઘાટોની વાટ લેવાની વાત હતી,
પણ 30 દિવસ પણ આ સમજૂતી ટકી નહીં.અલી ખામેનેઈની અંતિમ વિધિના દિવસો બાદ ઈરાને હોર્મુઝની
નાકાબંધી કરી, તો ટ્રમ્પે પણ ઘેરાબંધી શરૂ કરી.
ઈરાનની
હાથ મરોડવાની રીત અને ટ્રમ્પની દાદગીરી વચ્ચે ફરી એકવાર આખી દુનિયાનોખો નીકળી રહ્યો
છે. એક થિયરી એવી પણ છે કે, અંદર ખાને બન્ને દેશો ક્રૂડના ભાવ ઊંચા રાખવા ઊંબાડિયાં
કરી રહ્યાં છે. ટ્રમ્પે હોર્મુઝમાંથી પસાર થતાં જહાજો પાસેથી વીસ ટકા ટૉલ વસૂલવાની
વાત કરી છે, તો ઈરાને સામે જવાબ આપ્યો છે કે, ટ્રમ્પ કરતાં અમે ઓછો ટૉલ લઈશું. આંતરરાષ્ટ્રીય
નિયમો કુદરતી જળમાર્ગમાંથી પસાર થનારાં જહાજ પાસેથી ટૉલ વસૂલવાની છૂટ આપતા નથી.
ક્રૂડતેલના ભાવ બેરલદીઠ 85 ડૉલર પર પહોંચી ગયા છે અને આગામી સમયમાં 95ને પાર જશે, એવી આગાહીઓ વચ્ચે ફરી ચિંતાનાં વાદળ ઘેરાઈ રહ્યાં છે. ફેબ્રુઆરીના અંતમાં શરૂ થયેલા આ યુદ્ધથી અત્યાર સુધી વિશ્વને વિનાશ અને આર્થિક યાતના સિવાય કંઈ મળ્યું નથી. ઈરાન પાસે એકમાત્ર હોર્મુઝ એવું પાનું છે, જેનાથી તે દુનિયાનું નાક દબાવી શકે છે અને એનો ઉપયોગ તે બરાબર કરી રહ્યું છે. સામા છેડે ટ્રમ્પ છે, જેમનો મિજાજ પારા જેવો છે અને તેમના વર્તન સામે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ પણ અપવાદ સાબિત થાય છે. આમાં, ઇઝરાયલના વલણને કારણે અસ્થિરતા ઓર વધી રહી છે. ઈરાન-અમેરિકા વચ્ચે રાતોરાત ભાઈબંધી થઈ જાય એવી અપેક્ષા રાખી શકાય નહીં અને સમજૂતીમાં વારંવાર તિરાડ અને ગાબડાં પડે છે અને ખો નીકળે છે સામાન્ય નાગરિકો અને જહાજી ખલાસીઓનો. વધુ એક ભારતીય ખલાસીનું ઈરાનના મિસાઈલ હુમલામાં મોત થયું છે અને એક ગાયબ છે. કાયમી ઉકેલ કૂટનીતિ અને મધ્યસ્થીથી જ આવી શકે એમ છે, કેમ કે ઈરાન અને અમેરિકા સહમત થાય એવી તમામ શક્યતાઓ વારંવાર અને એક પછી એક ભોંયભેગી થઈ છે.