એક માસ મોડો આવેલો વરસાદ ફરી અટકી ગયો છે. ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય જનતાને ચિંતા છે. ક્યાંક દુષ્કાળ ન પડે તેવો ભય પણ છે. મોંઘવારી વધવાની સંભાવના દિવસે દિવસે વધી રહી છે. એક તરફ આંતરરાષ્ટ્રીય પ્રવાહો- યુદ્ધને લીધે અર્થતંત્ર સામે પડકાર અને પ્રશ્નો છે બીજી બાજુ કુદરતની મરજી હજી અકળ છે. ગયા વર્ષની સરખામણીમાં વરસાદ ઓછો પડયો છે. રાજ્યમાં તેનું પ્રમાણ અસંતુલિત પણ છે. સ્થિતિ હજી આમ જ રહેશે તો કૃષિક્ષેત્ર ઉપર પણ માઠી અસર થશે તે નક્કી છે. જુલાઈ 2025માં આખા ગુજરાતમાં 433.31 મીલીમીટર વરસાદ પડી ગયો હતો. આ વર્ષે 2026માં 241.43 મીમી વરસાદ પડયો છે. ગયા વર્ષની સરખામણીએ તે 191.88 મીલીમીટર ઓછો છે.
સરેરાશ
વરસાદના 26 ટકા વરસાદ હજી સુધી પડયો છે. 15મી જૂને ચોમાસાંનો આરંભ થઈ જાય તે આ વખતે
એક માસ જેટલો મોડો થયો હતો. દક્ષિણ ગુજરાત ઉપર મેઘરાજાએ હેત વરસાવ્યું, ત્યાં તારાજી
પણ થઈ પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છની ધરતી હજી ફક્ત ભીંજાઈ છે, ધરાઈ નથી. 34 જિલ્લાઓમાંથી
ગિર સોમનાથમાં 22 મીલીમીટર અને અમરેલીમાં 80 મીલીમીટર વધારે વરસાદ થયો છે. અન્ય 32
જિલ્લામાં વરસાદની ઘટ છે. પીવાના પાણીની સમસ્યા સૌરાષ્ટ્રના કેટલાક હિસ્સામાં હવે નર્મદા
પાણી આધારિત સૌની યોજનાને લીધે અગાઉ જેવી તીવ્ર નથી થતી પરંતુ ભૂગર્ભજળના તળ તો ઊંડાં
ઉતરે છે. કૃષિ માટે પણ પાણીની ખેંચ પડે. ઓછા વરસાદની અસર વાવેતર ઉપર પણ પડી છે. ગયા
વર્ષની સરખામણીમાં આ વર્ષે 10,54,180 હેક્ટર ઓછું વાવેતર થયું છે. 21 ટકાની ઘટ છે.
હવે જો વરસાદ આ સપ્તાહના અંત સુધીમાં ન પડે તો સ્થિતિ વધારે ગંભીર થશે. મગફળી અને કપાસનું
વાવેતર થયું છે.ડાંગરના વાવેતરમાં ઘટ છે. એક તરફ અમેરિકા-ઈરાનનું યુદ્ધ થંભતું નથી.
પેટ્રો પેદાશના ભાવમાં વધારો થયો છે, હજી થવાની સંભાવના છે. એ લડાઈને લીધે અર્થતંત્રની
સ્થિતિ પ્રવાહી છે. ખાદ્યતેલ અને ખાંડના ભાવમાં વધારો થયો છે. છૂટક મોંઘવારીના આંકડા
થોડા દિવસો પૂર્વે જ જાહેર થયા છે. યુદ્ધ પૂર્ણ નથી થતું, ચોમાસું જામતું નથી.
આ બન્ને
પરિસ્થિતિ ચિંતાજનક છે. અલનિનો વિશે આગાહી ચોમાસાં પૂર્વે થઈ હતી તે અનુસાર જુલાઈથી
તેની અસર શરૂ થવાની હતી. આ માસના ત્રણ અઠવાડિયાં વિતી ગયાં છે. જો ખરેખર એવું હશે તો
કપરો સમય શરૂ થશે. હવે ક્યાંક હવામાનમાં ફેરફાર થાય, કોઈ સિસ્ટમ સર્જાય તો વરસાદ સારો
પડે અને ચિંતા દૂર થાય.