• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

ઘૂસણખોરોની મદદ કરનાર સામે લાલ આંખ

બાંગલાદેશી ઘૂસણખોરોને અલગ તારવીને યથા યોગ્ય કાર્યવાહી કરવાનું તો આખા દેશમાં શરૂ થયું હતું, ગુજરાતમાં પણ આ કાર્યવાહી થઈ. બે દિવસ પહેલાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર- ઈ.ડી.એ કરેલી કાર્યવાહીમાં રોહિંગ્યા સમુદાયના લોકોને આશ્રય આપનારા લોકો ઉપર ધોંસ બોલી છે. પશ્ચિમ બંગાળ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણામાં અનેક સ્થાનો ઉપર છાપા મારીને ઘૂસણખોરોને મદદ કરનાર અને અહીં અનધિકૃત રીતે વસાવનારા લોકો સામે કાર્યવાહી થઈ છે. કોઈ આતંકી કૃત્ય હોય કે પછી સીમા ઓળંગીને દેશમાં પહોંચવાનું, વસવાનું કામ હોય, સ્થાનિક લોકોના સહયોગ વગર આ શક્ય હોય જ નહીં તે તો સૌ સમજી શકે. એજન્સીઓ કાર્યવાહી કરે તેની સામે તો કોઈ વાંધો ન હોઈ શકે, ન હોવો જોઈએ બસ વિશ્વસનીયતા જળવાવી જોઈએ.

ઈ.ડી. સહિત અનેક એજન્સીઓ માટે અનેક પ્રકારની ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે તે નવી વાત નથી તે સંજોગોમાં આ એજન્સીઓ કોઈ કાર્યવાહી કરે તો પણ એક મોટા વર્ગને જલદી વિશ્વાસ બેસતો નથી. અલબત્ત ક્યાંય દરોડા પડે અને ઈ.ડી. ઘૂસણખોરોના સહાયકોને પકડે તે બન્ને વચ્ચે પણ ફેર હોય જ. ઘૂસણખોરોને આપણા દેશમાં લાવી, તેમને નકલી દસ્તાવેજ- આઈડી પ્રૂફ બનાવી આપવા સુધીની ગેરકાયદે પ્રવૃત્તિ જે જૂથ કરતા હોય તેમને તો શક્ય તેટલા જલદી કાનૂની સકંજામાં લેવા જ જોઈએ. અત્યાર સુધીમાં આ ઘૂસણખોરોને લીધે દેશમાં ઘણુ નુકસાન થઈ ચૂક્યું છે.

ઈ.ડી.એ બંગાળના એક મદ્રેસામાંથી રૂ. 40 લાખ અને 180 ગ્રામના સોનાના સિક્કા જપ્ત કર્યા હતા તેના ઉપરથી એ તો સ્પષ્ટ છે કે આ ટોળીઓ-જૂથોની આર્થિક તાકાત કેટલી હશે. ઘૂસણખોરોને ઈ-રીક્ષા પણ આ લોકો આપતા હતા. ઉત્તર પ્રદેશમાં એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડે ઘૂસણખોરોના આર્થિક વ્યવહારો માટે જે ઉલ્લેખ પોતાની તપાસમાં કર્યો હતો તે અંતર્ગત ઈડી અત્યારે કાર્યવાહી કરી રહ્યું છે જેમાં કેટલીક તથાકથિત કલ્યાણકારી સંસ્થાઓ પણ સમાવિષ્ટ છે. બંગાળ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ ઘૂસણખોરોના નેટવર્ક, વસવાટ સામે સખત કાર્યવાહી થવી જ જોઈએ તેનો આ સમય છે. આકરી સજા આવા જૂથોને થાય તે રીતે એજન્સીઓએ કામ કરવું જોઈએ.

રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘૂસણખોરો ફક્ત બંગાળ કે અન્ય સરહદી રાજ્યોમાં જ છે તેવું નથી. પૂર્વોત્તર ઉપરાંત આંધ્ર પ્રદેશ, જમ્મુ જેવા રાજ્યોમાં, દિલ્હી, સૂરત જેવા શહેરોમાં પણ તેમના થાણા છે. તેમને એક સુનિયોજિત કાવતરાં અંતર્ગત અહીં વસાવવામાં આવી રહ્યા હોવાનું સ્પષ્ટ છે. બિનસરકારી - સામાજિક સંસ્થાઓને મળતા દાન માટેના જે નિયમો છે તેનો વિરોધ પણ આવા જૂથ આ કારણે જ કરી રહ્યા છે કારણ કે તેમનો તાસીરો આ નાણાં ઉપર જ છે. ખોટા દસ્તાવેજો સાથે રહેતા આ નાગરિકો મતાધિકાર પણ ભોગવે અને દેશના સંશાધનોમાં પણ તેમનો હિસ્સો હોય. ભારતે સાર્વભૌમત્વ અપનાવ્યું છે, સંવિધાનમાં સૌને સમાન હક છે પરંતુ તે હક દેશના નાગરિકો માટે છે. બહારથી ખોટી રીતે ઘૂસી જનારા લોકો માટે નથી.

ઇ-પેપરના નવા શુલ્ક