ચોમાસું
સૌરાષ્ટ્રમાં જામી ગયું. આરંભે જ મેઘરાજાએ શુકન સારાં કર્યાં છે. છેલ્લા ત્રણ દિવસથી
વરસાદ શ્રીકાર વરસી રહ્યો છે. સામાન્ય રીતે છેલ્લા કેટલાક સમયથી જુલાઈની મધ્યમાં જે
વરસાદ પડે છે તે અહીં જૂનના ત્રીજા સપ્તાહના આરંભે પડી ગયો છે. ગરમીથી પરેશાન પ્રજાએ
રાહત અનુભવી હતી. ખેડૂતોના મનમાં પણ સમયસર વરસાદને લીધે આશાનો સંચાર થયો છે. શનિવારે
સાંજે વરસાદે રૌદ્રરુપ ધારણ કર્યું હતું. રાજકોટમાં વીજળીના ગગનભેદી ધડાકાઓ સાથે સાડા
ત્રણ ઈંચ વરસાદ પડયો હતો. ગોંડલમાં પણ ચાર ઈંચ વરસાદ થયો હતો. પહેલા જ તબક્કે વીજળી
પડવાથી રાજ્યમાં પાંચ નાગરિકના મૃત્યુ થયા હતા. સોમવારે ચાલુ રહેલી મેઘસવારીએ ભાવનગર
અને અમરેલી જિલ્લાને ધરવી દીધા હતા.
ભાવનગરના
જેસરમાં 10.5, પાલિતાણામાં 10 ઈંચ વરસાદ પડયો. મહુવામાં પણ 9 ઈંચ વરસાદ વરસ્યો છે.
સોમવારે આખો દિવસ મૂશળધાર વરસાદે અમરેલીમાં પણ જળરાશિ ઠલવી દીધી છે. સૌરાષ્ટ્રમાં સમયસર
વરસાદ થાય એટલે લાપસી ખાવાનું ટાણું જ કહેવાય. આ વખતે ગરમી પણ અત્યંત પડી હતી. 45 ડિગ્રી
સુધી પારો ગયો હતો. લોકો વરસાદની પ્રતીક્ષા કરી રહ્યા હતા. પહેલા જ તબક્કે આટલો માતબર
વરસાદ પડયો છે જેને લીધે જનહૈયે, ખેડૂતોમાં હરખ છવાયો છે. રાજ્યમાં વાવણી પણ શરૂ થઈ
ગઈ છે. પીવાના પાણીનો પ્રશ્ન જો કે અત્યંત તીવ્ર ક્યાંય નહોતો પરંતુ જ્યાં થોડી પણ
સમસ્યા હતી ત્યાં રાહત થઈ છે.
હજી
પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે. વર્ષાઋતુ આમ તો લોકકલ્યાણની ઋતુ છે, લોકો વરસાદને
માણે જ પરંતુ વહીવટીતંત્રની બેદરકારી, નિક્રિયતાનો ભોગ દર વર્ષે લોકો બને છે. રાજકોટથી
જૂનાગઢના હાઈ-વેનું કામ વર્ષોથી ચાલી રહ્યું છે. ચોમાસું શરૂ થતાં જ ત્યાં ફરી સમસ્યા
થશે. રાજકોટ અને અન્ય મહાનગરોમાં ખોદાયેલા રસ્તાને લીધે સમસ્યા છે. વીજપુરવઠો પણ પહેલા
જ વરસાદે ખોરવાઈ જાય તે કાયમનું છે. વરસાદી ઋતુ દર વર્ષે જૂનમાં આવે જ. શા માટે તંત્ર
આગોતરાં આયોજન કરતું નહીં હોય? પ્રિ-મોન્સૂનના નામે ઘણી કાર્યવાહી થતી હોવાનું કહેવાય
છે પરંતુ પહેલા જ વરસાદે રસ્તાઓ ઉપર ભરાતા પાણી, ખાડા અને વીજ ધાંધિયા તંત્રના દાવા
ખોટા પાડે છે. જો કે આ બધી ફરિયાદો વચ્ચે પણ વરસાદ પડે તેનો આનંદ અનેરો છે. સૌરાષ્ટ્રમાં
મેઘસવારીના મંગલ મંડાણ થયા છે. ચોમાસું સારું જશે તેવી આશા અંકુરિત થઈ છે.