• બુધવાર, 18 જૂન, 2025

વિશ્વયુદ્ધનાં વાદળ ઘેરાઈ રહ્યાં છે?

યુક્રેન અને રશિયા વચ્ચે લડાઈ લંબાતી જાય છે, ગાઝામાં ઈઝરાયલની બૉમ્બ વર્ષા ચાલુ જ છે ત્યારે હવે ઈરાન ઉપર ઈઝરાયલે હુમલો કર્યા પછી વિશ્વમાં શાંતિ ભયમાં છે. જો ઈરાન સાથે તેના મિત્ર દેશો જોડાય તો વિશ્વયુદ્ધના ભણકારા શરૂ થશે. રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ કરાવવામાં નિષ્ફળ-િનરાશ થયેલા ડોનાલ્ડ ટ્રમ્પ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યાનો યશ ખાટી રહ્યા છે અને ઈરાનને કહે છે કે અણુશક્તિ વિકાસનો કાર્યક્રમ બંધ કરો, અમેરિકા સાથે સમજૂતી કરાર કરો - નહીં તો ઈઝરાયલના વધુ ખતરનાક - વિનાશકારી આક્રમણ માટે તૈયાર રહો - આજે નહીં માનો તો કાલે તમારા પાસે કાંઈ નહીં બચે.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સ્પષ્ટ - સખત ધમકી જ આપી છે. અમેરિકા વતી ઈઝરાયલ લડે છે. ટ્રમ્પ કહે છે અમારી પાસે ઘણાં વિનાશકારક શસ્ત્રો છે, જેની તમે કલ્પના પણ કરી નહીં હોય. આ શસ્ત્રો ઈઝરાયલને મળશે.

ઈઝરાયલની ગુપ્તચર એજન્સી ‘મોસાદના એજન્ટોએ ઈરાનમાં છેક અંદર ઘૂસીને પગપેસારો કર્યો છે અને ઈરાનની એજન્સીઓ ઊંઘતી ઝડપાઈ ગઈ છે. ભારતે પાકિસ્તાનમાં આતંકી અડ્ડાઓ ઉપર હુમલા કર્યા તેવી રીતે ઈઝરાયલે ઈરાનના અણુશક્તિ મથકો અને વીસથી વધુ સેનાના કમાન્ડરો તથા અણુવિજ્ઞાનીઓને ઠાર કર્યા છે. અમેરિકાના સંરક્ષણપ્રધાન કહે છે અમે આ હુમલામાં ક્યાંય સંડોવાયા નથી પણ ટ્રમ્પે ઈઝરાયલના હુમલાને ‘એક્સેલન્ટકહીને પીઠ થાબડી છે. ઈરાનને ધમકી આપી છે કે સ્થિતિ વધુ વણસે અને હાથ-બહાર જાય તે પહેલાં તમારો અણુશક્તિ વિકાસ કાર્યક્રમ બંધ કરો અને અમારી સાથે સમજૂતી કરો.

ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ કહે છે કે અમે અમારા ભવિષ્ય-અસ્તિત્વ માટે લડીએ છીએ. ઈરાન જો અણુશસ્ત્રો બનાવે તો અમે ક્યાંયના નહીં રહીએ. હવે ‘રાઈઝિંગ લાયન- અૉપરેશન ચાલુ રહેશે.’ હકીકતમાં ઈઝરાયલ દ્વારા અૉપરેશન નથી, યુદ્ધ-આક્રમણ છે. ભૂતકાળમાં 2014 અને 2020માં પણ ઈઝરાયલે હુમલા કર્યા હતા પણ આ વખતે ટ્રમ્પનું સમર્થન છે તેથી ભારે સપાટો બોલાવ્યો છે અને ટ્રમ્પ પણ કહે છે કે ઈરાનને સમજાવવાના ઘણાં પ્રયાસ કર્યા કે અણુશત્રોના પ્રયાસ બંધ કરો પણ તે માનવા તૈયાર નથી.

ફ્રાન્સ અને જર્મનીએ ઈઝરાયલને ટેકો આપ્યો છે ત્યારે રશિયા અને ચીને વિરોધ કર્યો છે. ચીને તો મધ્યસ્થી કરવાની અૉફર પણ કરી છે!

હવે જો સમજૂતી નહીં થાય તો યુદ્ધ વકરશે. એમ જણાય છે કે વિશ્વયુદ્ધનાં વાદળ ઘેરાઈ રહ્યાં છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક