-સરકારે સહાયના ધોરણોમાં ફેરફાર કરીને 3 લાખ રૂપિયાનું ખેત ધીરાણ માફ કરવું જોઇએ તેવી માગ ઃ અનેક તાલુકા દુષ્કાળગ્રસ્ત જાહેર ન થયાં
રાજકોટ,તા.27 (ફૂલછાબ ન્યૂઝ) ગુજરાતમાં
અનેક તાલુકાઓમાં અપૂરતો વરસાદ થવાથી દુષ્કાળની સ્થિતિ છે પણ સરકારે ચાર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત
જાહેર કરીને ખેડૂતોને રાજી કરવા પ્રયત્ન કર્યો છે. એનાથી ઉલ્ટી સ્થિતિ સર્જાઇ છે કારણકે
દુષ્કાળની જાહેરાત પછી વિરોધ ઉગ્ર અને વ્યાપક બનતો જાય છે. સરકાર ફેરવિચારણા ન કરે
તો 12મી નવેમ્બરથી આંદોલન
કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
માત્ર ચાર જ જિલ્લામાં દુષ્કાળ નથી પણ રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ,
મોરબી, અમરેલી, સાવરકુંડલા, બનાસકાંઠા, મહેસાણા,
અરવલ્લી અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં કેટલાક તાલુકામાં વરસાદ નહી જેવો પડ્યો
છે.
પરંતુ સરકારે માત્ર ચાર જિલ્લા વિષે જાહેરાત કરીને સંતોષ માની
લીધો છે તેમ કિસાન અગ્રણી વિઠ્ઠલ દુધાત્રાએ કહ્યું હતું.
તેમણે ઉમેર્યું કે,
સરકારે ચાર જિલ્લામાં જાહેર કરેલી સહાય પણ અપૂરતી અને અર્ધા કરતા પણ ઓછી છે ત્યારે
વગર વિચાર્યે નિર્ણય લેવયો હોવાનું ફલિત થાય છે. કિસાનો તેનાથી ખફા છે.
જોડીયાના વાવડી ગામના સરપંચ ભાવેશ મકવાણાએ કહ્યું કે, સરકારના નિર્ણયનો અમને વિરોધ છે અને સરકારે
તેની ફેર વિચારણા કરવી જોઇએ. વાસ્તવિક નુક્સાન ઘણું જ મોટું છે. જે જિલ્લામાં દુષ્કાળ
જાહેર નથી થયો ત્યાં અનેક તાલુકાની સ્થિતિ પણ ખરાબ છે. ખરેખર તો તમામ ધીરાણ સરકારે
માફ કરવા જોઇએ.
ગાંધીનગરથી મળતા અહેવાલો પ્રમાણે 12મી નવેમ્બરથી એક સંગઠનના કિસાનોએ સરકાર વિરુધ્ધ
આંદોલનની જાહેરાત કરી છે. સરકારે સહાયના ધોરણોમાં ફેરફાર કરીને 3 લાખ રૂપિયાનું ખેત ધીરાણ માફ કરવું જોઇએ.
દુષ્કાળમાં અગાઉ 150 ટકા વીમો મળતો હતો
ઉપરાંત આપત્તિ સહાય ભંડોળની સહાય પણ મળતી હતી પણ સરકારે તે ધ્યાને લીધું નથી. વર્તમાન
સરકારે પાક વીમા યોજના પણ બંધ કરીને ખેડૂતોની મુશ્કેલી વધારી છે.
વિઠ્ઠલ દુધાત્રા કહે છે કે, સરકાર સૌની યોજનાથી સૌરાષ્ટ્ર પાણીદાર બન્યાની જાહેરાત કરે છે
ત્યારે સૌની યોજનાથી નાના મોટાં ડેમો ભરીને કિસાનોને ખેતીમાં મદદરુપ થવું જોઇએ. ખરીફ
પાક નિષ્ફળ ગયો છે ત્યારે હવે રવી પાક જ્યાં થઇ શકે તેમ છે ત્યાં મદદે આવવું જોઇએ.
સરકારે પાણી છે તેવા જિલ્લાઓમાં ઘાસચારાનું વિશેષ વાવેતર કરાવીને
અછતગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવું જોઇએ. શિયાળુ પાક વવાય અને સાંગોપાંગ તૈયાર થાય ત્યાં
સુધી સરકારે દેખરેખ રાખવી જોઇએ. સરકારે ઘાસચારાની જાહેરાત કરી છે પણ કેટલા પશઓને મળશે
તે અનુત્તર છે.