ચૂંટણીપંચનાં જવાબી સોગંદનામા
બાદ અરજદારે માગ્યો 10 દિવસનો સમય
નવીદિલ્હી, તા.27 : મુખ્ય ચૂંટણી
કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પરની સુનાવણી મુલતવી
રાખવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી પીઠે અરજદાર
રાકેશ સિંહને ચૂંટણી પંચના જવાબ પર પોતાનો પક્ષ રજૂ કરવા માટે 10 દિવસનો સમય આપ્યો
છે. આ મામલે આગામી સુનાવણી હવે 17 નવેમ્બર, 2026ના રોજ થવાની સંભાવના છે. જોકે, અંતિમ
તારીખ અદાલતની સુનાવણી યાદી અનુસાર નક્કી કરવામાં આવશે.
આજે સુનાવણી દરમિયાન અરજદાર રાકેશ
સિંહ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે અદાલત પાસે જવાબ દાખલ કરવા માટે સમય
માંગ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પંચે પોતાનું જવાબી સોગંદનામું આગલી રાત્રે
જ દાખલ કર્યું છે. આવી સ્થિતિમાં અરજદારને તેનો અભ્યાસ કરવા અને જવાબમાં પોતાનું સોગંદનામું
એટલે કે રિજૉઇન્ડર દાખલ કરવા માટે પૂરતો સમય આપવો જોઈએ.
અદાલતે આ માગ સ્વીકારીને 10 દિવસનો
સમય આપ્યો હતો. આ કારણે હાલ આ મામલે ગુણદોષના આધારે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો
નથી. હવે આગામી સુનાવણીમાં અરજદારોના જવાબ અને ચૂંટણી પંચના પક્ષ પર વધુ વિચારણા થઈ
શકે છે. આ કેસમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધનના અન્ય નેતાઓની
અરજીઓનો પણ સમાવેશ થાય છે. આ અરજીઓમાં ચૂંટણી પંચની કાર્યપ્રણાલી, મતદાર યાદીમાંથી
નામ દૂર કરવા અને સર પ્રક્રિયા સાથે જોડાયેલી કથિત અનિયમિતતાઓ અંગે સવાલો ઉઠાવવામાં
આવ્યા છે.
આજે સુનાવણીના મોટાભાગના સમયમાં
અદાલતે અૉડિયો-વીડિયો બંધ કરાવી દીધું હતું જ્યારે મામલો પૂર્ણ થવાનો હતો, ત્યારે અૉડિયો-વીડિયો
ફરી શરૂ કરવામાં આવ્યું હતું. તેમાં વરિષ્ઠ વકીલ ડૉ. એ.એમ. સિંઘવી અને મેનકા ગુરુસ્વામી
હાજર જોવા મળ્યા હતા.