મલ્લિકાર્જુન ખડગેના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે ગાંધીનગરમાં ભાજપ-કોંગ્રેસ આમનેસામને
-ભાજપના કાર્યકરો દ્વારા ‘માફી માંગે ખડગે’ સાથેના પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર
- કોંગ્રેસના કાર્યકરો હાથમાં બેનરો અને ચોકલેટ લઈને આવ્યાં !
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા. 26ઃ કોંગ્રેસના રાષ્ટ્રીય
અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ પિતા વિરુદ્ધ
કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલો હવે વધુ ઘેરો બન્યો છે. પાટનગર ગાંધીનગરમાં
આ મુદ્દે પ્રદેશ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી જતાં રાજકીય વાતાવરણ
અત્યંત તણાવપૂર્ણ બની ગયું હતું.
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને ગુજરાત પ્રદેશ પ્રભારી તરુણ ચૂઘના નેતૃત્વમાં
અમદાવાદ અને ગાંધીનગરના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ધારાસભ્યો તેમજ સંગઠનના
હોદ્દેદારો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. પ્રદેશ ભાજપના આ અગ્રણી નેતાઓ અને કાર્યકરોએ
ઘ-5 સર્કલથી કોંગ્રેસ સમિતિ કાર્યાલય સુધી 500 મીટર લાંબી આક્રોશ રેલી યોજી ખડગે અને ગાંધી પરિવાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર
સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપ એસસી મોરચાના અધ્યક્ષ કિરીટ સોલંકીએ પ્રહાર કરતા જણાવ્યું
હતું કે આ ઉંમરે મલ્લિકાર્જુન ખડગેના આવા નિવેદન પર દયા આવે છે. રાહુલ ગાંધી અને તેમની
ટીમ સતત અલોકતાંત્રિક રીતે વર્તી રહી છે અને વડાપ્રધાનના પરિવારનું અપમાન કરીને પોતાની
નબળી માનસિકતા પ્રદર્શિત કરી રહી છે, જેને ભાજપ સખત શબ્દોમાં
વખોડે છે.
બીજી તરફ, ભાજપના કાર્યકરો વિરોધ કરતા કોંગ્રેસ કાર્યાલય બહાર પહોંચ્યા
ત્યારે કોંગ્રેસના કાર્યકરો પણ હાથમાં બેનરો અને ચોકલેટ લઈને સામે આવી ગયા હતા. કોંગ્રેસના
નેતાઓએ વળતો આરોપ લગાવતા જણાવ્યું હતું કે ખડગેજીના નિવેદન પહેલાં ભાજપના જ નેતાઓએ
વિપક્ષી નેતાઓ અને તેમના પરિવારો વિરુદ્ધ અસંખ્ય અભદ્ર નિવેદનો આપ્યા છે.
આ વિરોધ પ્રદર્શનમાં સાંસદ હસમુખ પટેલ, અલ્પેશ ઠાકોર, ભરત પંડ્યા સહિતના ભાજપના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. માફી
માંગે ખડગે સાથેના પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર પણ કર્યાં હતા.