• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

લાજપોર જેલમાં લૂંટ અને હત્યાના આરોપીનો આપઘાત

સુરત, તા. 26: સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં લૂંટ વિથ મર્ડરના ગુનામાં બંધ કાચા કામના કેદીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતાં જેલ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં સચિન પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, જેલના યાર્ડ નંબર સી/9/1ની બેરેકમાં બંધ 26 વર્ષીય મનિષ ઉર્ફે સુચિત્ર ઉર્ફે વિચિત્ર બાબુ ઉર્ફે પૂરી કુરમી પટેલે આજે વહેલી સવારે બેરેકના બાથરૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બાથરૂમમાં એક્ઝોસ્ટ ફેનના લોખંડના એંગલ સાથે કાપડ બાંધેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવતાં જેલ સ્ટાફમાં દોડધામ મચી હતી.

બનાવ અંગે જેલના ડયૂટી જેલર દ્વારા સચિન પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ કરી હતી. કેદીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, મૃતક મનિષ કુરમી સામે સુરતના પાંડેસરા અને કડોદરા પોલીસ મથકમાં લૂંટ વિથ મર્ડરના ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. તે છેલ્લા ચાર વર્ષથી કાચા કામના કેદી તરીકે લાજપોર જેલમાં બંધ હતો. તેના આપઘાત પાછળનું ચોક્કસ કારણ તપાસ બાદ જ બહાર આવશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક