ખાલિસ્તાનના
નામથી મળેલા ઈ-મેઇલમાં 21મીએ દિલજીત દોસાંઝના શોમાં બ્લાસ્ટનો ઉલ્લેખ
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.27: અમદાવાદમાં વધુ એક વખત શહેરના કેટલાક સ્થળોએ બોમ્બ ધડાકાનો ધમકીભર્યો ઈ-મેઇલ
મળતા અફરાતફરી મચી ગઈ હતી. આઠ જેટલી શાળાઓ, નરેન્દ્ર મોદી સ્ટેડિમય, મેટ્રો ટ્રેન ઉપરાંત
દાણાપીઠ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં બ્લાસ્ટની ધમકી મળી છે. 11
મહિનામાં આ આઠમી વખત ધમકીભર્યો ઈ-મેઇલ મળવાનો સીલસીલો જોવા મળ્યો છે.
ખાલિસ્તાન
આર્મીના નામે બ્લાસ્ટની ધમકીની સાથે અમદાવાદ બોલેગા ખાલિસ્તાન ઝિંદાબાદનો ઉલ્લેખ કરાયો
છે. 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજનારા પંજાબી સિંગર દિલજીત દોસાંજના કોન્સર્ટને
લઈ પણ ધમકી આપવામાં આવી હતી. મેઈલમાં વધુમાં ઉલ્લેખ કરાયો છે કે, બચ્ચન બોમ્બેમાં-દિલજીત
અમદાવાદમાં બોમ્બ હુમલામાં માર્યાં જશે. અમદાવાદમાં સેટેલાઈટમાં આવેલી નારાયણગુરુ,
વિદ્યાભારતી, આંબાવાડી ખાતે આવેલી સી. એન. વિદ્યાલય, ચાંદખેડા સ્થિત પોદાર ઈન્ટરનેશનલ,
આશ્રમ રોડ સ્થિત માઉન્ટ કાર્મેલ, ડીપીએસ બોપલ, થલતેજમાં આવેલી એશિયા અને મેમનગરની દિવ્યપથ
શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી. ધમકીભર્યા ઈ-મેઇલ મળતાં જ સાવચેતીના ભાગરૂપે
સ્કૂલોની ઇમારતો ખાલી કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.