બોમ્બે હાઇ કોર્ટે બોલીવૂડના
કલાકારોને ફટકાર લગાવતા કહ્યું, જો કોઈ સામે ચાલીને જોડાય નહીં તો જનતાના પૈસા બરબાદ
ન કરવા
નવીદિલ્હી, તા.27 : તહેવારોની
મોસમમાં ફટાકડાને કારણે થતા પ્રદૂષણ અને ઘોંઘાટને રોકવા માટે ચલાવવામાં આવતા જાગૃતિ
અભિયાનોમાં જોડાવા બાબતે બોલિવૂડ સેલિબ્રિટીઓનાં વલણ અંગે બોમ્બે હાઇ કોર્ટે કડક વલણ
અપનાવીને ઉધડો લીધો હતો.
આ કેસની સુનાવણી દરમિયાન જ્યારે
અદાલતને જાણવા મળ્યું કે મહારાષ્ટ્ર સરકારના ફટાકડા વિરોધી અભિયાનમાં જોડાવા માટે બોલીવૂડનો
કોઈ મોટો કલાકાર વિનામૂલ્યે આગળ આવ્યો નથી, ત્યારે હાઇ કોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી
હતી. હાઇ કોર્ટની ખંડપીઠે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આવા સામાજિક અભિયાનો માટે
બોલીવૂડના કલાકારોને જોડવાનાં નામે સરકારી એટલે કે જનતાના પૈસા બિલકુલ બગાડવા જોઈએ
નહીં. અદાલતમાં આ મુદ્દો ત્યારે ગરમાયો, જ્યારે સરકારી વકીલ તરફથી ખંડપીઠને જાણ કરાઈ
કે રાજ્ય સરકારે અનેક જાણીતી હસ્તીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તમામ સેલિબ્રિટીઓએ
પોતાની નક્કી કરેલી ફીનાં ધોરણ જણાવીને આવા સામાજિક અભિયાનો માટે પણ મફતમાં કામ નામરજી
દેખાડી હતી. આ વાતથી નારાજ થઈને જસ્ટિસ ગિરીશ કુલકર્ણીએ મૌખિક ટિપ્પણી કરતાં કહ્યું
હતું કે, સેલિબ્રિટીઓ સામાજિક કાર્ય માટે મફતમાં આગળ આવે નહીં તો તેમની પાસે જવાની
પણ કોઈ જરૂર નથી.
જો તેઓ આવા કામ માટે પણ પૈસા
વસૂલે છે, તો મને દુ:ખ સાથે કહેવું પડે છે કે આ ખૂબ જ ખોટું વલણ છે. તેઓ આ જ શહેરમાં
રહ્યા છે અને આ શહેરમાંથી જ ઘણું મેળવ્યું છે. જો તેમને શહેર પ્રત્યે કોઈ લગાવ હોય
અને તેઓ પર્યાવરણની ચિંતા કરતા હોય, તો તેમણે હવે શહેરને કંઈક પાછું આપવા માટે જાતે
આગળ આવવું જોઈએ. આ માટે જાહેર નાણાં ખર્ચવાની કોઈ જરૂર નથી. તેમના પર જનતાના પૈસા બરબાદ
ન કરવા જોઈએ.