• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

શતરંજમાં 75% મહિલા ખેલાડી ભેદભાવ અને સતામણીનો ભોગ

એફઆઈડીઈ સર્વેનો સનસનીખેજ ખુલાસો ઃ 44% રમત છોડવાની અણી પર

નવી દિલ્હી, તા.27 ઃ આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન દ્વારા હાથ ધરાયેલા સૌપ્રથમ વૈશ્વિક સર્વેમાં ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી છે. શતરંજના બોર્ડ પર 127 દેશોની 672 મહિલા ખેલાડીઓ, કોચ અને અધિકારીઓના અભિપ્રાય મુજબ, દર ચારમાંથી ત્રણ (75%) મહિલા કે સગીરાએ પોતાની કારકિર્દીમાં ભેદભાવ અથવા જાતીય સતામણીનો કડવો અનુભવ કર્યો છે.

સર્વે અનુસાર, 63% મહિલાઓએ જેન્ડર બાયસ (જાતિગત પક્ષપાત), જ્યારે 38%એ જાતીય સતામણી કે અયોગ્ય વર્તનની ફરિયાદ નોંધાવી છે. ડિજિટલ સ્પેસમાં પણ 38% ખેલાડીઓ ઓનલાઇન ઉત્પીડનનો શિકાર બની છે. સૌથી ગંભીર બાબત એ છે કે ટાઇટલ ધરાવતી પ્રોફેશનલ ખેલાડીઓમાં આ સમસ્યા વધુ ઘેરી છે; 81% ટાઇટલ્ડ વુમન પ્લેયર્સે પક્ષપાત અને 55%એ સતામણીનો સામનો કર્યો છે. આ નકારાત્મક માહોલને કારણે 44% ખેલાડીઓએ ચેસ છોડવા અંગે ગંભીરતાથી વિચાર્યું છે.

ભારતમાંથી સૌથી વધુ 69 પ્રતિભાવો મળ્યા હતા, જેમાં 10 વુમન ગ્રાન્ડમાસ્ટર્સ સહિત 133 ટાઇટલ વિજેતાઓ સામેલ હતી. ભેદભાવ ઉપરાંત 66% ખેલાડીઓએ પ્રવાસ અને કાચિંગના અસહ્ય આર્થિક ખર્ચને તેમજ 48%એ સમયના અભાવને કારકિર્દીના પડકાર ગણાવ્યા છે. ઉત્તર અમેરિકામાં ભેદભાવનો દર સૌથી વધુ (83%) નોંધાયો હતો, જ્યારે એશિયામાં તે 53% રહ્યો. એફઆઇડીઇ વુમન્સ કમિશનના ચેરપર્સન ટ્રિસ-એન રિચાર્ડ્સે જણાવ્યું કે આ આંકડા માત્ર ચિંતાજનક આંકડાશાસ્ત્ર નથી, પરંતુ રમતની કડવી વાસ્તવિકતા છે. મહિલાઓને સુરક્ષિત, સન્માનજનક અને સમાન વાતાવરણ મળે તે માટે વૈશ્વિક સ્તરે નક્કર નીતિઓ ઘડવી અનિવાર્ય બની ગઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક