• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

મેરેજ બ્યુરોની આડમાં દેહવ્યાપાર થતો હોવાનું ખુલ્યું

રાજકોટના ધમધમતા માર્ગ ઉપર કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પોલીસનો દરોડો

લગ્ન કરાવી આપશું તેવા ચોપાનીયા વહેંચી મુરતિયાને બદલે શોધાતા હતા ગ્રાહકો

રાજકોટ, તા.27:રાજકોટના ધમધમતા રહેતા એવા ટાગોર માર્ગ ઉપર એક લગ્ન બ્યુરોમાં પણ દેહ વ્યાપાર થતો હોવાની વિગતો ખુલતા ચકચાર ફેલાઈ છે.સ્પાના નામે અનેક વિસ્તારમાં દેહ વ્યાપાર થતો હોય, કુટણખાના ચાલતા હોય તેવું તો હવે નાના નગરોમાં પણ બને છે પરંતુ જેની સાથે સીધી જ સામાજિક વ્યવસ્થા જોડાયેલી છે તેવા મેરેજ બ્યુરો - લગ્ન કરાવી આપતી સંસ્થાની વ્યવસ્થાનો પણ આવી દુપ્રવૃત્તિ માટે થતો હોવાનું રાજકોટ પોલીસે શોધી કાઢયું છે.પોલીસે આ સંદર્ભે આરોપી માતા-પુત્રને ઝડપી લઈને પૂછપરછ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટના વિરાણી ચોક પાસે આવેલા ગુરુરક્ષા કોમ્પ્લેક્સની ઓફિસ નંબર 207માં મેરેજ બ્યુરોની આડમાં દેહવ્યાપારનો ગોરખધંધો ચાલતો હોવાની હકીકત સામે આવતાં એન્ટી હ્યુમન ટ્રાફાકિંગ યુનિટની ટીમે દરોડો પાડી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ડમી ગ્રાહકને મોકલી હકીકતની ખરાઈ કર્યા બાદ સંકેત મળતાં જ ઓફિસમાં દરોડો પાડયો હતો, જ્યાં લગ્ન કરાવી આપવાના નામે ચાલતા ધંધાની આડમાં ગ્રાહકોને બોલાવી આર્થિક લાભ માટે દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં ઓફિસ સંચાલક જયશ્રીબેન ઉર્ફે મીનાબેન ચેતન પુજારા (ઉ.વ. 51) અને તેના પુત્ર મીત ચેતન પુજારા (ઉ.વ. 22) ગ્રાહકો પાસેથી રૂ. 1000 થી 1500 મેળવી ઓફિસમાં જ દેહવિક્રય માટેની અલગ રૂમમાં મોકલતા હોવાનું ખુલતાં બંનેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની કાર્યવાહી દરમિયાન એક યુવતીને મુક્ત કરાવવામાં આવી હતી. સ્થળ પરથી રોકડ, મોબાઇલ ફોન અને અન્ય વાંધાજનક ચીજ વસ્તુ સહિત કુલ રૂ. 8,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. માતા-પુત્ર સામે એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફાકિંગ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પત્રિકાથી ગ્રાહક સુધી દેહવ્યાપારનો ખેલ!

જાહેર સ્થળોએ લોભામણી પત્રિકાઓનું વિતરણ કરી ગ્રાહકોને જાળમાં ફસાવાતા હતા. મેરેજ બ્યુરોમાં પહોંચતા વ્યક્તિને સુંદર મહિલાઓની લાલચ આપી, પૈસાદાર ગ્રાહક જણાય તો ઓફિસમાં જ અલગ રૂમમાં નાણાંની લેવડદેવડ કરી અન્ય મહિલાઓ સાથે શરીરસંબંધ બાંધવા મોકલાતો હોવાની વિગતો સામે આવી છે.

કેવી રીતે ફસાવાતા લગ્ન વાંચ્છુકોને ?

ઁ          લગ્નની લોભામણી જાહેરાતોવાળી પત્રિકાઓનું વિતરણ કરી પુરુષોને મેરેજ બ્યુરોમાં બોલાવતા.

ઁ          પુરુષો પાસેથી જરૂરી દસ્તાવેજો અને મોબાઇલ નંબર મેળવી લેતા.

ઁ          ત્યારબાદ માતા-પુત્ર સંચાલકો રાત્રે ફોન કરી બીજા દિવસે યોગ્ય યુવતીના દસ્તાવેજો આવ્યા હોવાનું કહી ઓફિસે બોલાવતા.

ઁ          ઓફિસે પહોંચતા ઓછું ભણતર કે ઓછો પગાર હોવાનાં બહાનાં કાઢી લગ્ન માટે યોગ્ય યુવતી ન હોવાનું જણાવતા.

ઁ          કોઈ યુવક-પુરુષ ત્યાં પહોચે પછી તેને કહેવામાં આવતું કે લગ્ન માટે યોગ્ય પાત્ર નથી પરંતુ સમય વિતાવવો હોઈ તો વ્યવસ્થા થઇ શકે.

ભાડા કરાર પણ ‘મેરેજ બ્યુરો’ના નામે કર્યો

પોલીસ તપાસ મુજબ, ઓફિસ ભાડે મેળવતી વખતે માલિકને પોતે વિધવા મહિલા હોવાનું અને લગ્ન કરાવી કમિશન મેળવવાનો વ્યવસાય કરતી હોવાનું જણાવાયું હતું. માતા-પુત્રે ગરીબ પરિસ્થિતિનું કારણ પણ આપ્યું હતું. ભાડા કરારમાં પણ મેરેજ બ્યુરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક