-મિથિલા રાજુ રોય નામે રહેતી ખાલિદા બારીની જાળી ખોલી નાસી ગઈ : સુરક્ષામાં બેદરકારી અંગે તપાસના આદેશ
જૂનાગઢ,
તા.22: જૂનાગઢના સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય હેઠળ રાખવામાં આવેલી બાંગ્લાદેશી મહિલા
ખાલિદા ફરાર થઈ જતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી છે. મહિલાને ઝડપી લેવા પોલીસની અલગ-અલગ
ટીમો બનાવવામાં આવી છે. બીજી તરફ, સેન્ટરમાં બેદરકારી થઈ છે કે કેમ તે અંગે ઉચ્ચસ્તરીય
તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
જૂનાગઢ
સી ડિવિઝન પોલીસે સપ્તાહ પહેલાં મધુરમ વિસ્તારના ચંદન પાર્કમાંથી મિથિલા રાજુ રોય નામની
ઓળખ આપીને રહેતી બાંગ્લાદેશી મહિલા ખાલિદાને ઝડપી હતી. પોલીસની પૂછપરછમાં તેણે પોતાનું
સાચું નામ ખાલિદા હોવાનું અને તે બાંગ્લાદેશની વતની હોવાનું કબૂલ્યું હતું. ત્યારબાદ
તેને હાથીખાના ચોક નજીક બહેરા-મૂંગાની શાળાના ગ્રાઉન્ડમાં આવેલા સખી વન સ્ટોપ સેન્ટરમાં
આશ્રય આપવામાં આવ્યો હતો.
દરમિયાન,
માંગરોળ પોલીસ મારફતે આશ્રય માટે આવેલી મહિલાના પતિ અને પરિવારનું કાઉન્સાલિંગ કેસ
વર્કર મિતલબેન દેવરાજ બગિયા કરી રહ્યાં હતાં. આ સમયે સાંજે 5:40 વાગ્યાના અરસામાં ખાલિદા
રૂમની બારીની લોખંડની જાળી ખોલીને ફરાર થઈ ગઈ હતી. આ અંગે મિતલબેન બગીયાએ એ ડિવિઝન
પોલીસ મથકમાં જાણવા જોગ નોંધ કરાવી હતી.
બનાવની
ગંભીરતાને ધ્યાનમાં રાખીને સેન્ટરની સુરક્ષા વ્યવસ્થા અને સંચાલકોની કામગીરી અંગે તપાસ
શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, ખાલિદાને ઝડપી લેવા પોલીસે તપાસ તેજ કરી છે.