-પ્રથમ
દિ’એ જ 30 હજાર કરોડના મૂલ્યના શેર માટે 67 હજાર કરોડની બોલી : 23મી સુધી ખુલ્લો રહેશે
મુંબઈ,
તા. 21 : પોતાના શરૂઆતના જ દિવસે જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડના આઈપીઓને જબ્બર પ્રતિસાદ
સાંપડયો હતો અને લક્ષ્યાંક કરતાં ત્રણ ગણી વધુ બોલીઓ મળી હતી. દેશના આ સૌથી મોટા આઈપીઓ
માટે 30,000 કરોડના લક્ષ્યાંક સામે 67,000 કરોડની બોલીઓ પ્રાપ્ત થઈ છે. આ આઈપીઓ 23
ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે.
કંપનીએ
30,188 કરોડ એકત્ર કરવા માટે કુલ 27 કરોડ શેર બહાર પાડ્યા છે. તેણે મોટા રોકાણકારોને
7.24 કરોડ શેર વેચીને અગાઉથી જ 8,110 કરોડ મેળવી લીધા છે. સામાન્ય જનતા માટે અનામત
રાખવામાં આવેલા 19,75,25,934 શેર સામે 60,10,21,860 શેર માટે અરજીઓ મળી છે.
આ આઈપીઓને
મોટા રોકાણકારો દ્વારા 9 ગણો અને છૂટક રોકાણકારો દ્વારા 0.71 ગણો સબક્રાઇબ કરવામાં
આવ્યો છે. એકંદરે, કુલ સબક્રિપ્શન 3.04 ગણું રહ્યું છે. ગ્રે માર્કેટની સ્થિતિ મુજબ,
લિસ્ટિંગ સમયે આ શેર 23 ટકા સુધીનું વળતર આપી શકે છે. લિસ્ટિંગ બાદ કંપનીનું માર્કેટ
કેપિટલાઇઝેશન 10.30 લાખ કરોડ સુધી પહોંચી શકે છે.
એક
શેર માટેની પ્રાઇસ બેન્ડ રૂા. 1,065 થી રૂા. 1,119 છે. રિટેલ રોકાણકારોએ શેર ખરીદવા
માટે ઓછામાં ઓછા 13,428નું રોકાણ કરવું જરૂરી છે, જ્યારે તેઓ મહત્તમ 14 લોટ (એટલે કે
168 શેર) માટે અરજી કરી શકે છે, જેના માટે રૂા. 1.87 લાખના રોકાણની જરૂર પડશે.
પ્રથમ
દિવસે સબક્રિપ્શનની સ્થિતિ જોઈએ તો મોટા રોકાણકારોએ તેમના માટે ફાળવેલા ક્વોટા કરતાં
9 ગણી વધુ બોલી લગાવી છે. રિટેલ રોકાણકારોની શ્રેણીમાં અત્યાર સુધીમાં આ આઈપીઓ 73 ટકા
સબક્રાઇબ થયો છે. કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવેલા હિસ્સામાં 133 ટકા સબક્રિપ્શન
જોવા મળ્યું છે. રિલાયન્સના શેરધારકોએ તેમના માટે ફાળવેલા શેરના 141 ટકા જેટલી બોલી
લગાવી છે.
લિસ્ટિંગ
પહેલાં ગ્રે માર્કેટમાં કંપનીના શેર 23 ટકાના પ્રીમિયમ એટલે કે પ્રતિ શેર રૂા. 258ના
પ્રીમિયમ પર પહોંચી ગયા છે. આ ગ્રે માર્કેટ પ્રીમિયમ (જીએમપી) અને રૂા. 1,119ની અપર
પ્રાઇસ બેન્ડના આધારે આ શેર સંભવત: રૂા. 1,377 (રૂા. 1,119 + રૂા. 258)ના ભાવે લિસ્ટ
થઈ શકે છે.