• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

એઆઈનાં ઉપયોગ સામે ટીવી ચેનલોને સરકારની ચેતવણી

-રાષ્ટ્રવિરોધી સામગ્રીનું પ્રસારણ કરવાનું ટાળવા માટે એડ્વાઈઝરી

નવી દિલ્હી, તા.21: માહિતી અને પ્રસારણ મંત્રાલયે સેટેલાઇટ ટીવી ચેનલો માટે એક માર્ગદર્શિકા (એડવાઇઝરી) જાહેર કરી છે. તેમાં ચેનલોને આતંકવાદ વિરોધી કાર્યવાહીની લાઇવ કવરેજ કરવાથી દૂર રહેવા, હિંસક દૃશ્યો બતાવતી વખતે સાવચેતી રાખવા અને રાષ્ટ્રવિરોધી સામગ્રીનું પ્રસારણ કરવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત એઆઈનાં ઉપયોગ સામે પણ પ્રસારકોને ચેતવણી આપવામાં આવી છે.

મંત્રાલયે પોતાની માર્ગદર્શિકામાં ચેનલોને કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ (રેગ્યુલેશન) અધિનિયમ, 1995 અને કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ નિયમો, 1994 હેઠળ નક્કી કરવામાં આવેલી કાર્યક્રમ સંહિતા (પ્રોગ્રામ કોડ)નું કડક પાલન કરવા જણાવ્યું છે.

સમિતિએ એ વાત પર પણ ભાર મૂક્યો કે પ્રસારણ દરમિયાન અયોગ્ય વર્તન અથવા અયોગ્ય ભાષાના ઉપયોગને સામાન્ય બાબત તરીકે સ્વીકારવો જોઈએ નહીં. મંત્રાલયે જણાવ્યું છે કે ચેનલોએ ખાતરી કરવી જોઈએ કે તેમના કાર્યક્રમોમાં સાંપ્રદાયિક અથવા રાષ્ટ્રવિરોધી વિચારધારાને પ્રોત્સાહન ન આપે.

આ ઉપરાંત મંત્રાલયે બ્રોડકાસ્ટર્સને કાર્યક્રમોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)નો ઉપયોગ કરતી વખતે પણ સાવધાની વર્તવાની ચેતવણી આપી છે. મંત્રાલયે કહ્યું છે કે, એઆઈ ટૂલ્સનો ઉપયોગ માત્ર સહાયક ભૂમિકા પૂરતો મર્યાદિત હોવો જોઈએ. સમાચાર સામગ્રીની ચોકસાઈ, વિશ્વસનીયતા અથવા સંવેદનશીલતા સાથે કોઈ બાંધછોડ થવી જોઈએ નહીં.

ઇ-પેપરના નવા શુલ્ક