• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

મોરબીના બરવાળા નજીક ટ્રક-બોલેરો વચ્ચે અકસ્માત : 3 શ્રમિકનાં મૃત્યુ

અન્ય 9 સારવાર હેઠળ : શ્રમિકો ભરેલી બોલેરો ગાડીને રેતી ભરેલા ટ્રકે પાછળથી મારી ટક્કર

મોરબી, તા.21:  મોરબી પીપળીયા હાઈવે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શ્રમિકોથી ભરેલી બોલેરો ગાડી સાથે ટ્રક અથડાતા બોલેરોમાં સવાર મહિલાઓ સહીત 12 શ્રમિકને ગંભીર ઈજા પહોંચી હતી. જે ઈજાગ્રસ્ત પૈકી 3 શ્રમિકના મૃત્યુ થયા છે. જ્યારે હજુ પણ 9 વ્યક્તિ સારવાર હેઠળ છે.

મોરબીના બરવાળા ગામ નજીક બોલેરો ગાડી અને રેતી ભરેલા ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જાણવા મળતી વિગતો મુજબ પુર ઝડપે જઈ રહેલા ટ્રકે આગળ જતી બોલેરો ગાડીને ટક્કર મારી હતી. અકસ્માતના પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગયા હતા અને લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થાનિકો અને પોલીસે સાથે મળી બચાવ કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં મહેન્દ્ર રૂમાલભાઈ મોવેલ (ઉ.43), શંકર પુનાસિંગ અજ્નાર (ઉ.36), અક્ષર સાગર મોવેલ (ઉ.11), લાલો વાસ્કેલ (ઉ.17), અમર મોવેલ (ઉ.32), બાબુ મોવેલ (ઉ.35), રાધિકા મોવેલ (ઉ.22), ગરબાર સજન વાસુનીયા (ઉ.35) રાકેશ રૂમાલ મોવેલ (ઉ.32), પઘડીબેન મોહનીયા (ઉ.25), દિનેશ મોવેલ (ઉ.30) અને શેખરભાઈ (ઉ.30) એમ 12 વ્યક્તિને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઈજાગ્રસ્ત પૈકી મહેન્દ્ર મોવેલ અને શંકર અજનાર એમ બે શ્રમિકના મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે. દરમિયાન ઈજાગ્રસ્ત દિનેશ રૂમાલભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં આ અકસ્માતમાં કુલ મૃત્યુ આંક ત્રણ પર પહોંચ્યો છે. જયારે સારવારમાં રહેલા હજુ પણ કેટલાક ઈજાગ્રસ્તોની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.  મોરબી તાલુકા પોલીસ ટીમ રાજકોટ પહોંચી હતી અને અકસ્માતના બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક