• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

કીવી સામે રેકોર્ડ રનચેઝ સાથે ભારતનો વિજયી પ્રારંભ

નવી દિલ્હી, તા.22 : ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પાંચ મેચોની ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણીના પ્રથમ મુકાબલામાં ભારતે 4 વિકેટે રોમાંચક વિજય મેળવીને 1-0થી લીડ મેળવી લીધી છે. 226 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતાં ટીમ ઇન્ડિયાએ 19.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને આ ઐતિહાસિક રનચેઝ સફળતાપૂર્વક પાર પાડયો હતો.

ટોસ હારીને પ્રથમ બાટિંગ કરવા ઉતરેલી કીવી ટીમે ભારતીય બોલરોને ધોઈ નાખ્યા હતા. ફરી એક વખત ભારતીય બોલર્સ અસરકારક પ્રદર્શન કરી શક્યા નહીં. ટોપ-ઓર્ડરમાં ફિન એલને 24 બોલમાં 45 રનથી આક્રમક શરૂઆત અપાવી હતી. ગ્લેન ફિલિપ્સે ઝડપી બાટિંગ કરી માત્ર 40 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે અણનમ 82 રન ફટકાર્યા હતા. ટિમ સાઇફર્ટે 24 રન અને ડેરીલ મિશેલે 28 રન  બનાવ્યા હતા. ડેથ ઓવરોમાં બેવોન જેકોબ્સે માત્ર 16 બોલમાં 31 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી. ભારતીય બોલરો તરફથી મયંક યાદવ, અક્ષર પટેલ અને અર્શદીપ સિંહે 1-1 વિકેટ ઝડપી હતી, જ્યારે જેકોબ્સ અર્શદીપના હાથે રન આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 6 વિકેટે 225 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો

226 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતાં ભારતીય ટોપ-ઓર્ડરે શાનદાર લડત આપી હતી. વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસને 67 રનની તોફાની ઇનિંગ્સ રમી પાયો મજબૂત કર્યો હતો, જ્યારે કેપ્ટન શ્રેયસ ઐયરે 42 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. અંતિમ ઓવરોમાં મુકાબલો અત્યંત રસાકસીભર્યો બન્યો હતો, જ્યાં નમન ધીરે આક્રમક મિજાજ દાખવતા માત્ર 15 બોલમાં 42 રનની અણનમ ફિનિશર ઇનિંગ્સ રમી અને છગ્ગો ફટકારી ટીમને વિજયની પાર પહોંચાડી દીધી હતી.

નોંધનીય છે કે, આ લક્ષ્યાંક સર કરીને ભારતે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનો સૌથી મોટો રનચેઝ કરવાનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ અગાઉ ભારતીય ટીમે ટી20માં સર્વોચ્ચ લક્ષ્યાંકનો પીછો કરવાનો રેકોર્ડ 209 રનનો હતો, જે ભારતે બે વખત હાંસલ કર્યો હતો. સૌપ્રથમ 2023માં અૉસ્ટ્રેલિયા સામે અને ત્યારબાદ 2026માં ન્યૂઝીલેન્ડ સામે. હવે કીવી ટીમ સામે જ 226 રનનો ટાર્ગેટ પાર પાડીને ભારતે પોતાના અગાઉના તમામ રેકોર્ડ તોડયા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક