• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

અમદાવાદમાંથી 25.50 કરોડના ડ્રગ્સ સાથે દિલ્હી-યુપીના 3 ઝડપાયા, રાજકોટ કનેક્શન ખુલ્યું

-અફઘાનિસ્તાન, પંજાબ, દિલ્હી, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી મોટાપાયે ડ્રગ્સનો જથ્થો લાવી ગુજરાત-સૌરાષ્ટ્રમાં ઠાલવવાના નેટવર્કનો પર્દાફાશ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.22: અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આંતરરાજ્ય ડ્રગ્સ સિન્ડિકેટ પર મોટો પ્રહાર કર્યો છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર સીટીએમ ટોલનાકા નજીકથી રૂ.25.50 કરોડની કિંમતનો હેરોઈન અને ખઉ ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપી પાડી પોલીસે દિલ્હી અને ઉત્તર પ્રદેશના ત્રણ આરોપીઓને દબોચી લીધા છે. ચોકલેટનાં પેકેટો અને એનર્જી ડ્રિંકની આડમાં કારની સીટ નીચે છુપાવીને લઈ જવાતો આ જથ્થો રાજકોટ પહોંચાડવાનો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. દોઢથી બે વર્ષની લાંબી તપાસ બાદ થયેલી આ કાર્યવાહીથી દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ગુજરાત સુધી ફેલાયેલા ડ્રગ્સ નેટવર્કની અનેક કડીઓ ખુલવાની શક્યતા છે, ત્યારે રાજકોટમાં ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલા અન્ય શખસોની સંડોવણી અંગે પણ પોલીસ તપાસ તેજ બની છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, ત્રણેક શખસો એક એસયુવી કારમાં ડ્રગ્સનો મોટો જથ્થો ગુજરાતમાં ઘૂસાડવાની પેરવીમાં છે. જે માહિતીના આધારે સુરત અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સ્થાનિક પોલીસની મદદથી સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ દિલ્હી પાસિંગની કાળા રંગની એક કારને સીટીએમ વિસ્તારમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પાસે આંતરી હતી અને તેની તલાશી લીધી હતી. તલાશી દરમિયાન કારની સીટ નીચેથી ચોકલેટોના પેકેટો તથા એનર્જી ડ્રિંકની આડમાં 4.531 કિલો હેરોઇન અને 2.497 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો. આ બન્ને ડ્રગ્સની કુલ કિંમત રૂ. 25.50 કરોડ હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે કારમાંથી તિફેલ નોખેજ (ઉં. 44, રહે. નવી દિલ્હી), કફીલ અહેમદ (ઉ.59, રહે. નવી દિલ્હી) અને મોહમ્મદ ઈમરાન અલ્વી (ઉં. 38 રહે. મેરઠ,યુપી)ને અટકમાં લીધા હતા. આ ત્રણેય શખસ સહિત રેકેટમાં સંડોવાયેલા અન્ય લોકો સામે નાર્કોટિક્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. 

અમદાવાદ પોલીસ કમિશનર અનુપાસિંહ ગેહલોતે આ મુદ્દે જણાવ્યું કે, છેલ્લા દોઢ-બે વર્ષથી વધુ સમયથી આ આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક પર મળેલી ગુપ્ત બાતમી અને પોલીસ ટીમની આકરી મહેનતના પરિણામે આટલી મોટી સફળતા મળી છે. ડ્રગ્સ સિન્ડિકેટ દિલ્હી અને યુપીથી ઓપરેટ કરવામાં આવતી હતી. પોલીસે ત્રણ કુખ્યાત પેડલરો તિફેલ, ઈમરાન અને કફીલની ધરપકડ કરી છે. આ ઉપરાંત વધુ કેટલાક સ્થળોએ પણ આગામી સમયમાં તપાસ ચાલુ રહેશે.

પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ડ્રગ્સનો જથ્થો રાજકોટમાં કોઈ અસલમે મંગાવ્યો હતો જેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. આમ આ ડ્રગ્સ સિન્ડિકેટના તાર દિલ્હી, યુપી, ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પોલીસના મતે અફઘાનિસ્તાનમાંથી હેરોઈનનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. જ્યારે પંજાબ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો પ્રાપ્ત કરી આ પેડલરો દિલ્હી, યુપી અને ગુજરાતમાં તેને ઠાલવતા હોવાનું જણાયું છે. 

પકડાયેલા આરોપીઓમાં તિફેલ વર્ષ 2014માં અમૃતસરમાં 100 ગ્રામ હેરોઇન અને વર્ષ 2019માં 300 કિલો હેરોઇનની દાણચોરીમાં પાયલાટિંગ કરવાના ગંભીર ગુનાનો આરોપી છે. કફીલ અહેમદ ભૂતકાળમાં જયપુરમાં 18.5 કિલો ચરસ, અમદાવાદમાં 100 ગ્રામ ખઉ અને રાજસ્થાનમાં પેરોલ પર છૂટતી વખતે 3 કિલો એલ્પાઝોલમ સાથે પકડાયાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જ્યારે મોહમ્મદ ઈમરાન અલ્વી છેડતી, માનવ તસ્કરી અને છેતરાપિંડી જેવા અન્ય ગુનાઓ આચરી ચૂક્યો છે. આ ત્રણેય કુખ્યાત આરોપીઓ ખૂબજ ચાલાકીપૂર્વક ડ્રગ્સ સપ્લાય કરતા હતા જેમાં મોડીરાત્રે કે વહેલી સવારને બદલે લોકોના ઓફિસ જવાના નિયમિત સમયે આ લોકો ટ્રાફિકનો લાભ લઈ ડ્રગ્સ ઘૂસાડવાની તૈયારીમાં હતા ત્યારે જ તેમને ચોક્કસ બાતમીને આધારે ઝડપી લેવાયા હતા.

સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે પોલીસે અદાલત સમક્ષ આરોપીઓના 12 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો ધ્યાને લીધા બાદ આરોપીઓના 31 ઓક્ટોબર સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક