કાલથી રાજ્યભરમાં અચોક્કસ મુદતની હડતાલ : બાર કાઉન્સિલનું પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી અને કાયદા મંત્રીને મળીને રજૂઆત કરશે
(ફૂલછાબ
ન્યુઝ)
રાજકોટ,
અમદાવાદ, તા.3 : ગુજરાત ભાડા વિધેયક-2026ની કેટલીક જોગવાઈઓ સામે રાજ્યભરના વકીલોનો
વિરોધ ઉગ્ર બન્યો છે. અમદાવાદ, રાજકોટ, જામનગર, મોરબી સહિતના શહેરોમાં વકીલોએ અગાઉ
1થી 3 ઓક્ટોબર સુધી કોર્ટ કામગીરીથી અળગા રહી ટોકન વિરોધ નોંધાવ્યો હતો. હવે બાર કાઉન્સિલ
ઓફ ગુજરાતે આગામી 5 ઓક્ટોબરથી રાજ્યભરના વકીલોને અચોક્કસ મુદતની હડતાળમાં જોડાવા આહવાન
કર્યું છે.
બાર
કાઉન્સિલની સામાન્ય સભામાં વિધેયકની વિવાદિત જોગવાઈઓ સામે કોર્ટ કામગીરીથી દૂર રહેવાનો
કાર્યક્રમ ચાલુ રાખવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. સોમવારથી વિવિધ કોર્ટોના કેમ્પસ
બહાર દેખાવો અને વિરોધ પ્રદર્શન યોજાશે. આ મામલે બાર કાઉન્સિલનું પ્રતિનિધિમંડળ ચેરમેન
પી.ડી. પટેલની આગેવાની હેઠળ મુખ્યમંત્રી અને કાયદા મંત્રીને મળીને રજૂઆત કરશે.
વકીલોનો
મુખ્ય વાંધો ભાડા વિવાદોના નિકાલની ન્યાયિક સત્તા વહીવટી તંત્રને સોંપવાની જોગવાઈ સામે
છે. વકીલોના જણાવ્યા મુજબ અગાઉ ભાડાના કેસો જેએમએફસી કોર્ટમાં ચાલતા હતા, જ્યારે નવા
વિધેયકમાં ફિક્સિંગ ઓથોરિટી તથા રેન્ટ ટ્રિબ્યુનલની જોગવાઈ સાથે કેટલીક સત્તાઓ મામલતદાર
અને પ્રાંત અધિકારી જેવા અધિકારીઓને સોંપવાની જોગવાઈ છે. કબ્જો ખાલી કરાવવો, ભાડું
વધારવું તથા સ્ટાન્ડર્ડ રેન્ટ નક્કી કરવા જેવા વિવાદો પણ આમાં આવરી લેવાયા છે.
રાજકોટ
બારના પ્રમુખ સુમિત વોરા અને સેક્રેટરી નિલેશ પટેલે વિધેયક પાછું ખેંચવાની માગ કરી
છે. જામનગરમાં પણ વકીલોએ એક દિવસ કોર્ટ કાર્યવાહીથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો.
મોરબી જિલ્લા વકીલ મંડળે 5 ઓક્ટોબરે પણ કામગીરીથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે અને
અચોક્કસ મુદત સુધી વિરોધની ચીમકી આપી છે. ભાડા સંબંધિત તમામ ન્યાયિક સત્તાઓ જ્યુડિશિયરી
પાસે જ રાખવામાં આવે તેવી વકીલોની માગ છે.