• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

ભાવનગર લઠ્ઠાકાંડનો સૂત્રધાર ઝડપાયો

43 દિવસથી ફરાર રાજસ્થાની શખ્સને એટીએસની મદદથી દબોચાયો, 8 સુધી રિમાન્ડ  પર

ભાવનગર તા.2 : ભાવનગર જિલ્લામાં ઓગસ્ટના બીજા પખવાડિયામાં સર્જાયેલા ચકચારી લઠ્ઠાકાંડમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મિથેનોલયુક્ત ઝેરી દારૂના કારણે અનેક લોકોના મૃત્યુ અને અન્ય લોકોની તબિયત લથડ્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ કેસમાં 43 દિવસથી ફરાર રહેલા સૂત્રધાર પૈકીના એક આરોપીને રાજસ્થાન એટીએસની મદદથી ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરતાં 8 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

તપાસ દરમિયાન લાડુ લાલ ઉર્ફે ગણેશ શ્યામલાલ બારોલ (ઉ.વ.22), રહે. મહેન્દ્રગઢ ગામ, ભીલવાડા, રાજસ્થાનની સંડોવણી સામે આવી હતી. પોલીસ તપાસ મુજબ લાડુ લાલ મુખ્ય આરોપી ગૌતમ સોલંકીના સંપર્કમાં હતો અને ગૌતમના ઘરે નકલી દારૂ બનાવવાનું નક્કી કરવામાં તેની ભૂમિકા હોવાનું બહાર આવ્યું હતું. દારૂના પાકિંગ માટે જરૂરી પૂંઠા, કાચની બોટલો, ઢાંકણા અને સ્ટીકર સહિતની સામગ્રી તે અલગ-અલગ જગ્યાએથી મેળવી ભાવનગર પહોંચાડતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

લઠ્ઠાકાંડ બાદ ઝેરી દારૂથી લોકોનાં મૃત્યુ થયાની જાણ થતાં લાડુ લાલ ગુજરાત છોડીને ફરાર થઈ ગયો હતો. ફરાર થતાં પહેલાં અન્ય આરોપીઓને મોબાઈલ ફોન તથા અન્ય પુરાવા નષ્ટ કરવા જણાવ્યું હોવાની વિગતો પણ તપાસમાં બહાર આવી છે.

ડીજીપી જી.એસ. મલિકના આદેશથી કેસની તપાસ સ્ટેટ મોનિટારિંગ સેલને સોંપવામાં આવી હતી. પીઆઈ એસ.એમ. જાડેજાની ટીમે વિવિધ રાજ્યોમાં તપાસ લંબાવી હતી. આ કેસમાં અત્યાર સુધી કુલ 42 આરોપીઓ સામે કાર્યવાહી થઈ છે અને વધુ તપાસ ચાલુ છે. આરોપીની પૂછપરછમાં લઠ્ઠાકાંડના વધુ રહસ્યો બહાર આવે તેવી શક્યતા છે.

ઇ-પેપરના નવા શુલ્ક