• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

SRH છોડવાની ફિરાકમાં અભિષેક શર્મા

ટીમ મેનેજમેન્ટથી છે નારાજ: ઇશાન કિશનને સુકાન સોંપવાની ગોઠવણ થતાં ફ્રેન્ચાઇઝી સાથે તણાવ

નવી દિલ્હી, તા.2 : ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન પૂર્વે રિટેન્શન અને રિલીઝની ડેડલાઇન નજીક આવી રહી છે ત્યારે સનરાઇઝર્સ હૈદરાબાદના કેમ્પમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ફ્રેન્ચાઇઝીના તોફાની ઓપનર અભિષેક શર્મા ટીમ મેનેજમેન્ટથી નારાજ હોવાનું મનાઈ રહ્યું છે અને તે આગામી સીઝનથી જ હૈદરાબાદનો સાથ છોડી અન્ય કોઈ ટીમમાં જોડાવાની શક્યતાઓ તપાસી રહ્યો છે.

પેટ કમિન્સ 2027ના વ્યસ્ત આંતરરાષ્ટ્રીય શિડ્યૂલને કારણે ટીમમાં ન જોડાય તેવી શક્યતા છે. ત્યારે ફ્રેન્ચાઇઝીએ ઇશાન કિશનને ટીમનું સુકાન સોંપવામાં રસ દાખવ્યો છે. વર્ષ 2019થી હૈદરાબાદ સાથે જોડાયેલા અભિષેક શર્માની પોતે ટીમનું નેતૃત્વ સંભાળવાની સ્પષ્ટ મહત્ત્વાકાંક્ષા હતી. પણ કિશનને કેપ્ટન બનાવવાની દિશામાં ફ્રેન્ચાઇઝી આગળ વધતાં જ બંને પક્ષો વચ્ચે સ્થિતિ તણાવપૂર્ણ બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સૂત્રોનું માનવું છે કે અભિષેકની તાત્કાલિક પ્રાથમિકતા હવે એસઆરએચ કેમ્પમાંથી બહાર નીકળવાની છે, ભલે પછી નવી ફ્રેન્ચાઇઝીમાં તેને માત્ર સામાન્ય ખેલાડી તરીકે રમવું પડે. કેટલીક ફ્રેન્ચાઇઝીઓ સાથે અનૌપચારિક વાતચીત શરૂ થઈ ચૂકી છે, જોકે હજી કોઈ નક્કર સોદો પાર પડ્યો નથી. મુંબઈ ઇન્ડિયન્સ, ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ આ રેસમાં આગળ હોવાનું મનાય છે. આ ઉપરાંત, દિલ્હી કેપિટલ્સ પણ સંભવિત દાવેદાર બની શકે છે, કારણ કે અભિષેકના માર્ગદર્શક (મેન્ટોર) યુવરાજ સિંહ હાલમાં દિલ્હીના સેટઅપનો મહત્ત્વનો હિસ્સો છે.

ઇ-પેપરના નવા શુલ્ક