• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

ભારતીય કુરાશ ખેલાડી યશ કુમારનો ડોપ ટેસ્ટ પોઝિટિવ, સસ્પેન્ડ એનાબોલિક સ્ટેરોઇડ સહિત ત્રણ પ્રતિબંધિત પદાર્થો મળી આવ્યા

નાગોયા, તા.3 : જાપાનના નાગોયા ખાતે ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતીય રમતજગત માટે અત્યંત આંચકાજનક અહેવાલ સામે આવ્યા છે. ભારતીય કુરાશ ટીમના 24 વર્ષીય ખેલાડી યશ કુમાર ચૌહાણનો પ્રતિબંધિત દવાઓના સેવન (ડાપિંગ)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરિણામે  ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાએ કડક વલણ અપનાવીને યશ કુમારને તત્કાળ અસરથી કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરી દીધા છે.

આ સસ્પેન્શન બાદ યશ કુમાર હવે એશિયન ગેમ્સ સાથે જોડાયેલી કોઈપણ રમત કે ઇવેન્ટમાં ભાગ લઈ શકશે નહીં. આઈટીએ દ્વારા જારી કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર, યશ કુમારનું આ ડોપ સેમ્પલ 27 સપ્ટેમ્બરના રોજ ઇન-કોમ્પિટિશન પ્રોટોકોલ હેઠળ એકત્ર કરવામાં આવ્યું હતું. લેબોરેટરી તપાસ બાદ સામે આવેલા પરિણામો અત્યંત ગંભીર છે, કારણ કે તેમના નમૂનામાં કોઈ એક નહીં પરંતુ ત્રણ અલગ-અલગ શક્તિવર્ધક પ્રતિબંધિત પદાર્થોની હાજરી સાબિત થઈ છે: જેમાં મીટાઈન્ડિએનોન નામની શક્તિશાળી એનાબોલિક એન્ડ્રોજેનિક સ્ટેરોઇડ છે, જે સ્નાયુઓની તાકાત અને કદ ઝડપથી વધારવા માટે લેવામાં આવે છે. તેમજ જીડબલ્યુ1516 પદાર્થ શરીરમાં સહનશક્તિ અને ચરબી બર્નિંગ ક્ષમતા વધારવા માટે મેટાબોલિક મોડ્યુલેટર તરીકે કામ કરે છે, જેને વિશ્વ એન્ટી-ડાપિંગ એજન્સી દ્વારા સંપૂર્ણપણે માનવ વપરાશ માટે પણ અસુરક્ષિત ગણીને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. જ્યારે મેફેન્ટરમાઇન સ્ટીમ્યુલન્ટ છે, જે તત્કાળ ઊર્જા અને હૃદયના ધબકારા તેજ કરી ક્ષમતા વધારવા ઉપયોગમાં લેવાય છે.

નિયમ મુજબ આ પરિણામને એન્ટી-ડાપિંગ નિયમો હેઠળ એડવર્સ એનાલિટિકલ ફાઇન્ડિંગ ગણવામાં આવે છે. હાલ પૂરતો ખેલાડી પર પ્રોવિઝનલ સસ્પેન્શન લાદવામાં આવ્યું છે. નિર્ધારિત આચારસંહિતા મુજબ, યશ કુમાર પાસે હવે પોતાનો પક્ષ રાખવાનો અને તેમના ‘બી’ સેમ્પલના વિશ્લેષણની માગણી કરવાનો કાનૂની અધિકાર રહેશે. જો ‘બી’સેમ્પલનું પરિણામ પણ પોઝિટિવ આવશે અથવા તો ખેલાડી તેના ટેસ્ટિગનો અધિકાર જતો કરશે, તો મામલો શિસ્ત સમિતિ સમક્ષ જશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક