પાકિસ્તાન સાથેની લિંક, હવાલા અને નાણાકીય વ્યવહારો અંગે ગુજરાત એ.ટી.એસ. કરશે તપાસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.2: ગુજરાત એ.ટી.એસ.
અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશન હેઠળ ઝડપી પાડવામાં આવેલા 3 હજાર કરોડના ડ્રગ્સના
જથ્થા મામલે ધરપકડ કરાયેલા પાંચેય આરોપીને આજે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં
આવ્યા હતા. એ.ટી.એસ. દ્વારા આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. કોર્ટ
દ્વારા પાંચેય આરોપીના 13 ઓક્ટોબર સુધીના એટલે કે 12 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં
આવ્યા છે.
ગત તા.25ના લક્ષદ્વીપ નજીકથી
એક બોટમાં પાંચ પાકિસ્તાની નાગરિકો પાસેથી 526 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. કોસ્ટ ગાર્ડ
અને ગુજરાત એ.ટી.એસ. દ્વારા 16 દિવસ સુધી દરમિયામાં આ ઓપરેશન હાથ ધરાયું હતું. આ કેસમાં
ગુજરાત એ.ટી.એસ. દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હોવાથી આ મામલે તે વધુ તપાસ કરશે. એ.ટી.એસ.
દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, ડ્રગ્સના આ કન્સાઇનમેન્ટ પાછળ રહેલા
સમગ્ર નેટવર્કની તપાસ કરવા માટે આરોપીઓની વિગતવાર પૂછપરછ જરૂરી છે. એ.ટી.એસ. રિમાન્ડ
દરમિયાન પાકિસ્તાન સાથે જોડાયેલી કડીઓ, ઉપરાંત ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ ક્યાંથી આવ્યું?,
સમગ્ર વ્યવહારમાં કોણ કોણ સંકળાયેલું હતું? તે અંગે એ.ટી.એસ. માહિતી મેળવશે. ડ્રગ્સનો
આ જથ્થો તામિલનાડુની થેલાપતિ બોટને કન્સાઇનમેન્ટ તરીકે આપવાનો હોવાની પ્રાથમિક વિગતો
મળી છે. આ સમગ્ર કાવતરામાં અન્ય બે વ્યક્તિની ભૂમિકા અંગે પણ તપાસ કરશે. પાંચ આરોપીઓ
ઉપરાંત ડ્રગ્સના કન્સાઇનમેન્ટ પાછળ અન્ય કોઈ વ્યક્તિ કે સંગઠિત નેટવર્ક સંકળાયેલું
છે કે નહીં? તે સહિતની તપાસ આગળ વધારવામાં આવશે.