• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

ભારતના ખાતે 21 ગોલ્ડ સહિત 85 મેડલ્સ

એશિયન ગેમ્સમાં એથ્લેટિક્સ અને શાટિંગમાં ભારતનો દબદબો

નવી દિલ્હી, તા.3: આઇચી-નાગોયા 2026 એશિયન ગેમ્સમાં ભારતીય દળે અસાધારણ ખેલદિલી અને મક્કમ મનોબળનું પ્રદર્શન કરતાં 21 ગોલ્ડ, 27 સિલ્વર અને 37 બ્રોન્ઝ સહિત કુલ 85 મેડલ્સ સાથે પોતાના ઐતિહાસિક અભિયાનનો અંત આણ્યો છે. 21 અલગ-અલગ રમતોમાં પથરાયેલા આ મેડલ કૂચમાં ભારતીય એથ્લેટિક્સ સૌથી મોટું પ્રેરકબળ બનીને ઉભરી આવ્યું હતું, જેમાં ભારતે 24 મેડલ્સ (1 ગોલ્ડ, 9 સિલ્વર અને 14 બ્રોન્ઝ) પોતાના નામે કર્યા હતા.

શાટિંગ રેન્જ પર ભારતીય નિશાનેબાજોએ 15 મેડલ્સ પર સચોટ નિશાન સાધ્યું હતું, જ્યારે તીરંદાજીમાં 5 સુવર્ણ ચંદ્રકોના દમદાર પ્રદર્શન સાથે કુલ 9 મેડલ્સ મેળવી ભારતે એશિયાઈ સ્તરે પોતાની સર્વોચ્ચતા સાબિત કરી હતી. આ ઉપરાંત બોક્સિગ અને કુસ્તીમાં 6-6 મેડલ્સ તથા સ્ક્વોશમાં 5 મેડલ્સ ભારતના ખાતામાં ઉમેરાયા હતા.

ટીમ સ્પોર્ટ્સમાં ભારતે પોતાના પરંપરાગત વર્ચસ્વનો પરચમ લહેરાવતાં પુરુષ અને મહિલા ક્રિકેટ તેમજ કબડ્ડી સ્પર્ધામાં ગત એશિયાડના સુવર્ણ ચંદ્રકો સફળતાપૂર્વક ડિફેન્ડ કર્યા હતા. પુરુષ હોકી ટીમે પણ શાનદાર લય જાળવી રાખી ચેમ્પિયન તરીકેનું ટાઇટલ પોતાની પાસે રાખ્યું હતું. જોકે, સમગ્ર ટુર્નામેન્ટની સૌથી ભાવુક અને ગૌરવપૂર્ણ ક્ષણ ભારતીય મહિલા હોકી ટીમની રહી, જેણે 44 વર્ષના સુદીર્ઘ ઇંતેજારનો અંત લાવીને કોન્ટિનેન્ટલ ચેમ્પિયનશિપનો ગોલ્ડ મેડલ જીતી નવો ઇતિહાસ રચ્યો હતો. આ સાથે ગોલ્ફમાં પ્રણવી ઉર્સે અસાધારણ રમત બતાવી ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતતાં ભારતને ગોલ્ફમાં નવા એશિયન ગેમ્સ ચેમ્પિયન મળ્યા હતા.

 

ક્યારેય ન સ્પર્શેલા ક્ષેત્રોમાં પણ પગપેસારો

આ રમતોત્સવમાં ભારતે અગાઉ ક્યારેય ન સ્પર્શેલા ક્ષેત્રોમાં પણ પગપેસારો કર્યો હતો. મિક્સ્ડ માર્શલ આર્ટ્સમાં સુચિકા તરિયાલે બ્રોન્ઝ મેડલ જીતીને મોટો અપસેટ સર્જ્યો હતો, જ્યારે બારાણિકા ઇલાંગોવન પોલ વોલ્ટ ઇવેન્ટમાં એશિયન ગેમ્સનો મેડલ જીતનારી ભારતની સર્વપ્રથમ એથ્લેટ બની હતી. મહિલા રિકર્વ તીરંદાજીમાં કુમકુમ મોહોદે શાનદાર આગેકૂચ કરી હતી, જ્યારે અનહત સિંઘ, સાવન બરવાલ અને સર્વેશ કુશારેએ પોતપોતાની રમતોમાં ભારત માટે લાંબા સમયથી ચાલી આવતી પ્રતીક્ષાનો અંત આણીને ભારતીય રમતજગતના સુવર્ણ કાળમાં નવું પ્રકરણ ઉમેર્યું હતું.

 

વર્ષો જૂના રાષ્ટ્રીય રેકોર્ડ્સ તૂટયા

અભિયાન માત્ર મેડલ્સની સંખ્યા પૂરતું સીમિત ન રહેતાં, વર્ષો જૂના રાષ્ટ્રીય રેકોર્ડ્સ અને મેડલના દુષ્કાળને તોડવા માટે પણ યાદગાર બની ગયું છે. બોક્સિગ રિંગમાં ઓલિમ્પિક મેડાલિસ્ટ લવલીના બોરગોહેને મેરી કોમ બાદ એશિયાડમાં ગોલ્ડ જીતનારી ભારતની માત્ર બીજી મહિલા મુક્કેબાજ બનીને કીર્તિમાન સ્થાપ્યો હતો. બીજી તરફ, સ્ટાર વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ 1998ના બેંગકોક એશિયાડ પછી ભારતીય વેઇટલિફ્ટિગમાં ચાલી આવતા 28 વર્ષ લાંબા મેડલના દુષ્કાળને ડામ્યો હતો. ટ્રેક એન્ડ ફિલ્ડમાં સીમા કુમારીએ મહિલાઓની 10,000 મીટર દોડમાં 16 વર્ષની પ્રતીક્ષાનો અંત આણ્યો હતો, જ્યારે વિથ્યા રામરાજે 400 મીટર હર્ડલ્સમાં 42 વર્ષ જૂનો નેશનલ રેકોર્ડ ધ્વસ્ત કરીને ભારતીય એથ્લેટિક્સમાં નવો પ્રાણ ફૂંક્યો હતો.

 

દિલ ગોલ્ડન ગોલ્ડન : ગોલ્ફ, રેસાલિંગને આર્ચરીમાં ગોલ્ડ

5 સુવર્ણ સહિત કુલ 9 પદક સાથે ભારત માટે ઐતિહાસિક દિવસ

નવી દિલ્હી, તા.3 :  એશિયન ગેમ્સમાં ભારતીય રમતવીરોએ આજે અસાધારણ પ્રદર્શન દાખવતાં 5 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ સહિત કુલ 9 મેડલ્સ પોતાના નામે કર્યા હતા. આજે એશિયન ગેમ્સમાં ભારતના અભિયાનનો અંત આવ્યો હતો.

તીરંદાજીમાં કુમકુમ મોહોદે રિકર્વ મહિલા વ્યક્તિગત સ્પર્ધામાં તેમજ ગોલ્ફમાં પ્રણવી ઉર્સે મહિલા વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી નવો કીર્તિમાન સ્થાપ્યો હતો. પુરુષ ક્રિકેટ સ્પર્ધામાં ભારતીય ટીમે ચેમ્પિયન બનીને ગોલ્ડ મેળવ્યો હતો, જ્યારે રેસાલિંગમાં અમન સેહરાવતે પુરુષોની 57 કિગ્રા ફ્રીસ્ટાઇલ કેટેગરીમાં શાનદાર રમત સાથે સુવર્ણ ચંદ્રક અંકે કર્યો હતો. આ ઉપરાંત મેન્સ હોકી ફાઇનલમાં ભારતે મલેશિયાને 5-1થી કચડી નાખીને દિવસનો પાંચમો ગોલ્ડ મેડલ દેશના નામે કર્યો હતો.

રજત ચંદ્રકોમાં ગોલ્ફની મહિલા ટીમ ઇવેન્ટમાં ભારતે સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો, જ્યારે રેસાલિંગમાં અંતિમ પંઘાલ મહિલાઓની 53 કિગ્રા ગોલ્ડ મેડલ બાઉટમાં જાપાનની મો કિયોકા સામે પરાજિત થતાં તેમને સિલ્વરથી સંતોષ માનવો પડયો હતો. કાંસ્ય ચંદ્રકોમાં તીરંદાજીના રિકર્વ પુરુષ વ્યક્તિગત મુકાબલામાં નીરજ ચૌહાણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જ્યારે કુસ્તીમાં દીપક પુનિયાએ પુરુષોની 97 કિગ્રા ફ્રીસ્ટાઇલ સ્પર્ધામાં રોમાંચક લડત આપી મંગોલિયાના ગનખુયાગ ગનબાતારને 2-1થી પરાજય આપીને ભારતની ઝોળીમાં બ્રોન્ઝ મેડલ નાખ્યો હતો.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક