• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

ક્લીન ‘ગોલ્ડ’

એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ અને હોકી એમ બંને ટીમોએ ગોલ્ડ મેડલ્સ જીત્યા, હોકીમાં લોસ એન્જલસ ઓલિમ્પિક્સ માટે સીધી ટિકિટ કન્ફર્મ

નવી દિલ્હી, તા.3 : નાગોયામાં રમાયેલી એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ અને હોકી એમ બંને ટીમોએ ગોલ્ડ મેડલ્સ મેળવ્યા હતા. આ બંને કમાલ પુરુષ ટીમોએ કર્યો હતો. જોકે, બંને ગેમની મહિલા ટીમોએ પણ અગાઉ ગોલ્ડ મેળવ્યા હતા. આજે ભારતની ક્રિકેટ ટીમે તેના કટ્ટર હરીફ પાકિસ્તાનને 19 રને પરાજય આપ્યો હતો અને પોતાના ખિતાબને બચાવ્યો હતો જ્યારે હોકી ટીમે પણ પોતાના ખિતાબનો ભવ્ય બચાવ કરતાં હાઇ-વોલ્ટેજ ફાઇનલમાં મલેશિયાને 5-1ના વિશાળ અંતરથી કચડી નાખીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો છે. આ દમદાર વિજયની સાથે જ ભારતીય હોકીની પુરુષ અને મહિલા બંને હોકી ટીમોએ વર્ષ 2028માં યોજાનારી લોસ એન્જલસ ઓલિમ્પિક્સ માટે સીધી ટિકિટ પણ કન્ફર્મ કરી લીધી છે. ક્રિકેટ બાદ હોકી સ્પર્ધામાં પણ ભારતે બંને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી એશિયન રમતોત્સવમાં પોતાની નિર્વિવાદ સર્વોચ્ચતા પુરવાર કરી દીધી છે.

 

ક્રિકેટમાં ભારતીય ટીમે 19 રને પાકિસ્તાનને હરાવ્યું

અભિષેકના 28માં 61 અને તિલક વર્માના 22માં 51 રનની મદદથી 211નો સ્કોર થયો, પાક. 192 રન જ બનાવી શક્યું  

નવી દિલ્હી, તા.3 : એશિયન ગેમ્સની ક્રિકેટ સ્પર્ધામાં ભારતે ફરી એકવાર પોતાનું સામ્રાજ્ય સાબિત કરતાં ઐતિહાસિક ગોલ્ડ હાંસલ કર્યો છે. શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ પુરુષ ટીમે (જુઓ પાનું 10)

હાઇ-વોલ્ટેજ ફાઇનલમાં પાકિસ્તાનને 19 રને ધૂળ ચટાડીને સતત બીજી વાર ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.

  ખિતાબી મુકાબલામાં ટોસ બાદ પ્રથમ બાટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 211 રનનો સ્કોર ખડક્યો હતો. ટી-20 ક્રિકેટના ઇતિહાસમાં પાકિસ્તાન સામે ભારતનો આ સર્વોચ્ચ સ્કોર છે. આ સાથે જ ભારતે 2012માં પાકિસ્તાન સામે બનાવેલા 192 રનનો 14 વર્ષ જૂનો રેકોર્ડ પણ ધ્વસ્ત કરી દીધો હતો. યુવા બેટર્સ અભિષેક શર્મા અને તિલક વર્માની બાટિંગ તોફાની હતી. અભિષેકે માત્ર 28 બોલમાં 3 ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગાની મદદથી તોફાની 61 રન ઝૂડી કાઢ્યા હતા, જ્યારે મિડલ ઓર્ડરમાં તિલક વર્માએ આક્રમક વલણ અપનાવી 22 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે અણનમ 51 રનની લડાયક ઇનિંગ્સ રમી ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડયું હતું.    212 રનના મુશ્કેલ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે મજબૂત લડત આપી હતી, પરંતુ ભારતીય બોલર્સે ડેથ ઓવર્સમાં શાનદાર સંયમ જાળવીને મેચ પર પકડ મજબૂત કરી લીધી હતી. 17 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 4 વિકેટે 160 રન હતો અને તેમને છેલ્લી 18 બોલમાં 52 રનની જરૂર હતી. આ નાજુક ક્ષણે વાશિંગ્ટન સુંદરે 18મી ઓવરમાં માત્ર 8 રન આપીને અબ્દુલ સમદની મહત્ત્વની વિકેટ ઝડપી લીધી હતી.

ત્યારબાદ 19મી ઓવરમાં જસપ્રીત બુમરાહે પોતાની પરિપક્વતાનો પરિચય આપતાં માત્ર 11 રન આપ્યા, જેથી પાકિસ્તાનને છેલ્લી 6 બોલમાં 33 રનનો અશક્ય જેવો ટાર્ગેટ મળ્યો હતો. અંતિમ ઓવરમાં બાલિંગ કરવા આવેલા શિવમ દુબેએ ચુસ્ત લાઇન-લેન્થ જાળવી રાખી માત્ર 13 રન આપ્યા હતા અને છેલ્લા બોલ પર 96 રને રમી રહેલા હસન નવાઝને આઉટ કર્યો હતો. નવાઝે 51 બોલમાં 96 રનની આક્રમક પારી રમી છતાં તે પોતાની સદી અને ટીમને જીત અપાવવાથી વંચિત રહ્યો હતો. પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 192 રન જ બનાવી શકી હતી.

  નોંધનીય છે કે, વર્ષ 2023માં હાંગઝોઉ ખાતે રમાયેલી એશિયન ગેમ્સમાં ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપમાં ભારતે સુવર્ણ જીત્યો હતો, અને હવે આ વિજય સાથે ભારતે એશિયાડ ક્રિકેટમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.

 

હોકીની ફાઈનલમાં ભારતે મલેશિયાને 5-1થી હરાવ્યું

કેપ્ટન હરમનપ્રીત સિંહના આક્રમક બે ગોલ, જ્યારે જુગરાજ સિંહ, હાર્દિક સિંહ અને શિલાનંદ લાકડાએ એક-એક ગોલ

  નવી દિલ્હી, તા.3 : કાકામિગહારાના ગિફુ પ્રિફેક્ચરલ ગ્રીન સ્ટેડિયમ ખાતે રમાયેલી એશિયન ગેમ્સની મેન્સ હોકી ફાઇનલમાં ભારતે મલેશિયાને 5-1થી પરાજય આપીને સુવર્ણ ચંદ્રક પોતાના નામે કર્યો છે. ભારત માટે કેપ્ટન હરમનપ્રીત સિંહે આક્રમક બે ગોલ ફટકાર્યા હતા, જ્યારે જુગરાજ સિંહ, હાર્દિક સિંહ અને શિલાનંદ લાકડાએ એક-એક ગોલ કરીને ટીમની જીત સુનિશ્ચિત કરી હતી.  

આજે હોકીના મુકાબલાની 11મી મિનિટે જ ભારતીય કેપ્ટન અને સ્ટાર ડ્રેગ-ફ્લિકર હરમનપ્રીત સિંહે પોતાના પરિચિત અંદાજમાં પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવી ટીમને 1-0ની પ્રારંભિક લીડ અપાવી દીધી હતી. જોકે, પ્રથમ ક્વાર્ટર પૂર્ણ થાય તે પહેલાં 14મી મિનિટે મલેશિયાના મિડફિલ્ડર સિલ્વેરિયસ શેલોએ ભારતીય ડિફેન્સની ભૂલનો ફાયદો ઉઠાવી ફિલ્ડ ગોલ કરતાં સ્કોર 1-1થી સરભર કરી દીધો હતો.  

બીજા ક્વાર્ટરમાં ભારતે આક્રમણની ગતિ તેજ કરી હતી. યુવા ડ્રેગ-ફ્લિકર જુગરાજ સિંહે સચોટ ડ્રેગ-ફ્લિક દ્વારા મલેશિયન ગોલકીપર હફીઝુદ્દીન ઓથમૅનને પરાસ્ત કરી ભારતને 2-1થી આગળ કરી દીધું હતું. ત્યારબાદ મેચની 42મી મિનિટે મલેશિયન ડી-એરિયામાં મિડફિલ્ડર આઈમાન રોઝેમીની ભૂલના પગલે ભારતને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો હતો. મિડફિલ્ડર હાર્દિક સિંહે કોઈ પણ ભૂલ કર્યા વિના બોલને નેટમાં ધકેલીને ભારતની લીડ 3-1 કરી દીધી હતી.

  ત્યારબાદ ભારતીય ટીમે મલેશિયાના ડિફેન્સ પર સતત દબાણ જાળવી રાખી વધુ બે ગોલ નોંધાવ્યા હતા અને 5-1થી એકતરફી વિજય મેળવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. મલેશિયા સામે જૂનો હિસાબ સરભર કરવાની સાથે ભારતીય ટીમે એશિયન હોકીમાં પોતાનો દબદબો પુન:સ્થાપિત કરી દેશવાસીઓને ગૌરવપૂર્ણ વિજયની ભેટ આપી છે.

નોંધનીય છે કે, વર્ષ 2010 અને 2018ની એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં મલેશિયાએ ભારતને ચોંકાવનારો પરાજય આપીને ગોલ્ડની રેસમાંથી બહાર ફેંક્યું હતું. આ કડવા ભૂતકાળને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ આ ખિતાબી જંગમાં શરૂઆતથી જ સંપૂર્ણ સતર્કતા અને વ્યૂહાત્મક શિસ્ત સાથે મેદાનમાં ઉતરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક