• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

શાઈ હોપની સદીની ઈનિંગ : રોમાંચક મુકાબલામાં વિન્ડિઝની જીત

કેએલ રાહુલની સદીની મદદથી ભારતે કર્યા 351 : કેરેબિયન ટીમે 48.2 ઓવરમાં જ પાર પાડયું લક્ષ્ય : ભારતે શ્રેણી જીતી

નવી દિલ્હી, તા. 3 : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેના શ્રેણીના ત્રીજા અને અંતિમ વનડેમાં ભારતે કેએલ રાહુલની નોટઆઉટ સદીની ઈનિંગ અને રોહિત શર્મા અર્ધસદીની મદદથી સાત વિકેટે 351 રનનો મજબૂત સ્કોર કર્યો હતો. જો કે ભારતીય બોલરો વિન્ડિઝ સામે વિવશ જોવા મળ્યા હતા અને શાઈ હોપની તોફાની ઈનિંગના દમ ઉપર 48.2 ઓવરમાં પાંચ વિકેટે લક્ષ્યને સફળતાપુર્વક પાર પાડીને મેચમાં જીત મેળવી હતી. આ સાથે જ ત્રણ વનડેની શ્રેણી 2-1થી પુરી થઈ છે અને વિન્ડિઝે વ્હાઈટવોશ રોક્યું છે.

ભારતે આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે મજબૂત શરૂઆત કરી હતી. પહેલી વિકેટ 41ના કુલ સ્કોરે ગુમાવ્યા બાદ શાઈ હોપ અને અમીર જંગૂએ સદીની ભાગીદારી કરી હતી. અમીર 56 બોલમાં 67 રન કરીને આઉટ થયો હતો. ત્યારબાદ શેફરેન રધરફોર્ડ 24 રન અને કીમો પોલ 44 રનનું યોગદાન આપીને પેવેલિયન પરત ફર્યા હતા. આ દરમિયાન શાઈ હોપે  એક છેડો સાચવીને સદીની ઈનિંગ રમી હતી. શાઈ હોપ 143 બોલમાં 17 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 162 રન કરીને નોટઆઉટ રહ્યો હતો અને વિન્ડિઝને જીત અપાવી હતી. આ ઉપરાંત ગુડકેશ મોતી પણ 19 રને નોટઆઉટ પરત ફર્યો હતો. ભારત તરફથી મોહમ્મદ સિરાજ, ગુરનુર બરાર, કુલદીપ યાદવ અને નમન ધીરે 1-1 વિકેટ લીધી હતી.

આ અગાઉ પ્રથમ બાટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત નબળી રહી હતી. કેરેબિયન ફાસ્ટ બોલર જેડન સીલ્સે શુભમન ગિલ (1) અને વિરાટ કોહલી (0)ને સસ્તામાં પેવેલિયન ભેગા કરી ભારતને બેવડો ઝટકો આપ્યો હતો. જોકે, સંકટના આ સમયે ઓપનર રોહિત શર્માએ વળતો મોરચો સંભાળ્યો હતો અને 10 ચોગ્ગા તેમજ 3 છગ્ગાની મદદથી 92 રન બનાવ્યા હતા. રોહિત આઉટ થયા બાદ ઋતુરાજ ગાયકવાડે (57 રન) પણ અડધી સદી ફટકારીને સ્કોરબોર્ડને ગતિ આપી હતી.

મિડલ ઓર્ડરમાં ઝડપી વિકેટો પડતાં ભારત પર ફરી દબાણ સર્જાયું હતું, પરંતુ કેએલ રાહુલે એક છેડો મક્કમતાથી સાચવી રાખીને કેરેબિયન બોલર્સની જોરદાર ધોલાઈ કરી હતી. રાહુલે 87 બોલમાં અણનમ 129 રન ફટકારી ભારતને મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું. આખરી ઓવરોમાં અંશુલ કમ્બોજ (17 રન) અને નમન ધીર (30 રન)ના ઉપયોગી યોગદાનથી ભારતે 350નો આંકડો વટાવી લીધો હતો. વેસ્ટ ઇન્ડિઝ તરફથી જેડન સીલ્સ સૌથી સફળ બોલર રહ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક