ગુજરાતમાં
75 હજાર કર્મચારીઓ હડતાળમાં જોડાયા : રાજ્યમાં 5,400 શાખાની કામગીરી ખોરવાઈ, રૂ.15
હજાર કરોડના વ્યવહારોને અસર
(ફૂલછાબ
ન્યુઝ)
અમદાવાદ,રાજકોટ,તા.11
: બેન્કિંગ ક્ષેત્રમાં પાંચ દિવસનું કામકાજ સપ્તાહ એટલે કે 5-ડે વીક લાગુ કરવાની લાંબા
સમયથી ચાલી રહેલી માંગને લઈને યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (યુએફબીયુ)ના આહ્વાનથી
આજે ગુજરાત સહિત દેશભરમાં બેન્ક કર્મચારીઓએ એક દિવસની હડતાળ પાડી હતી. એસબીઆઇ, પીએનબી,
યુનિયન બેન્ક સહિત સરકારી અને કેટલીક ખાનગી બેન્કોના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા
હતા.
ગુજરાતમાં
આશરે 75 હજાર કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળમાં જોડાયા હોવાનો યુનિયનનો દાવો છે. રાજ્યની
લગભગ 5,400 બેન્ક શાખાઓમાં કામગીરી બંધ અથવા ખોરવાઈ હતી. પરિણામે આશરે રૂ.15 હજાર કરોડના
ટ્રાન્ઝેક્શનને અસર થઈ હતી. અમદાવાદમાં લાલ દરવાજા પાસે નારાબાજી કરાઈ હતી, જ્યારે
સુરતમાં કાળા કપડાં પહેરી બેનરો સાથે વિરોધ થયો હતો.
યુએફબીયુના
જણાવ્યા મુજબ 8 માર્ચ 2024ના રોજ ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન (આઇબીએ) સાથે થયેલા 12મા
દ્વિપક્ષીય કરાર અને 9મા સંયુક્ત નોટમાં પાંચ દિવસનું બેન્કિંગ લાગુ કરવા સંમતિ થઈ
હતી. તેના બદલામાં કર્મચારીઓ સોમવારથી શુક્રવાર સુધી દરરોજ 40 મિનિટ વધુ કામ કરવા તૈયાર
છે. આ દરખાસ્ત આઇબીએ દ્વારા કેન્દ્ર સરકારને મોકલાઈ હતી, પરંતુ બે વર્ષથી વધુ સમય બાદ
પણ નાણા મંત્રાલયની મંજૂરી મળી નથી. ઉપરાંત પીએલઆઇ સ્કીમમાં નીચલા કર્મચારીઓ અને ઉચ્ચ
અધિકારીઓ વચ્ચેનો અન્યાય દૂર કરવા, આઇડીબીઆઇ બેન્કનું ખાનગીકરણ અટકાવવા અને અન્ય સેવાકીય
પ્રશ્નો ઉકેલવાની પણ માગ છે.
યુનિયનના
પદાધિકારીઓએ કહ્યું હતું કે, કેન્દ્રના નાણા મંત્રાલય અને સેન્ટ્રલ લેબર કમિશનર સાથે
બેઠકો થઈ હોવા છતાં હજુ સુધી સાનુકૂળ નિર્ણય આવ્યો નથી. કર્મચારીઓમાં રોષ છે. યુનિયને
ચેતવણી આપી છે કે, માગણીઓનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન
ત્રણ દિવસની હડતાળ કરાશે. ત્યારબાદ ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવાની ચીમકી
આપવામાં આવી છે.
રાજકોટ
: જિલ્લામાં રાષ્ટ્રીયકૃત બેંકોના 10 હજારથી વધુ અધિકારી-કર્મચારીઓ હડતાળમાં જોડાયા
હતા. નાના મૌવા ચોક ખાતે પંજાબ નેશનલ બેંકની બહાર કર્મચારીઓએ એકત્ર થઈ પ્લે કાર્ડ સાથે
સૂત્રોચ્ચાર કર્યા હતા. 5-ડે વર્કિંગ ઉપરાંત પૂરતી ભરતી, પીએલઆઈનો વિરોધ, પેન્શન અપડેશન
અને ગ્રેચ્યુઇટી મર્યાદામાં વધારો સહિતની માગણીઓ રજૂ કરવામાં આવી હતી. કર્મચારીઓએ જણાવ્યું
હતું કે પાંચ દિવસનું કામકાજ લાગુ થાય તો રોજના 40 મિનિટ વધુ કામ કરવાની તૈયારી છે.
જામનગર
: શહેર અને જિલ્લામાં આવેલી વિવિધ બેંક શાખાઓના કર્મચારીઓ હડતાળમાં જોડાતા દૈનિક બાંકિંગ
કામગીરીને અસર થઈ હતી. રોકડ ઉપાડ-જમા, ચેક ક્લિયારિંગ સહિતની સેવાઓ અટકી જતા વેપારીઓ,
ઉદ્યોગકારો અને સામાન્ય ગ્રાહકોને મુશ્કેલી પડી હતી. હડતાળ બાદ શનિવાર અને રવિવારની
રજાના કારણે સતત ત્રણ દિવસ કામગીરી પ્રભાવિત થવાની સ્થિતિ બની હતી. જોકે એટીએમ, ઓનલાઈન
બાંકિંગ અને ડિજિટલ પેમેન્ટ જેવી સેવાઓ ચાલુ હોવાથી ગ્રાહકોને આંશિક રાહત મળી હતી.
જૂનાગઢ
: જિલ્લામાં આશરે 5 હજાર બેંક કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળમાં જોડાયા હતા. કોલેજ રોડ
પર આવેલી સેન્ટ્રલ બેંક ખાતે કર્મચારીઓ એકત્ર થયા અને પડતર માંગણીઓના ઉકેલ માટે સૂત્રોચ્ચાર
કર્યા હતા. હડતાળને કારણે જિલ્લામાં અંદાજે રૂ.500 કરોડથી વધુના આર્થિક વ્યવહારો ખોરવાયા
હોવાનું યુનિયનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું. બેંક બંધ રહેતા ગ્રાહકોને ખાસ કરીને રોકડ
વ્યવહાર અને અન્ય શાખાકીય સેવાઓ માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
પોરબંદર
: બેંકોના કર્મચારીઓ અને અધિકારીઓએ પણ દેશવ્યાપી હડતાળને સમર્થન આપ્યું હતું. કર્મચારીઓની
લાંબા સમયથી માંગ છે કે તમામ શનિવારની રજા જાહેર કરી અઠવાડિયામાં પાંચ દિવસ બાંકિંગ
વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે. યુનિયનોના જણાવ્યા મુજબ 28 માર્ચ 2024ના દ્વિપક્ષીય
કરાર બાદ આ અંગે સરકારને ભલામણ મોકલાઈ હતી. કર્મચારીઓ રોજના 40 મિનિટ વધુ કામ કરવા
સંમત હોવા છતાં અંતિમ મંજૂરીમાં વિલંબ થતાં ફરી વિરોધ કરવાની ફરજ પડી હોવાનું સંગઠનોએ
જણાવ્યું હતું.