સસ્તામાં સોનું આપવાના નામે આચરેલા
કૌભાંડનો પર્દાફાશ : બે શખસ ઝડપાયા
પોરબંદર, તા.11: પોરબંદરમાં બે
સોની વેપારીઓને સોનાના દાગીના સસ્તામાં વહેંચવાની લાલચ આપી કુલ 5,20,000 રૂપિયાની છેતરાપિંડી
આચરનાર ઇસમો વિરુદ્ધ કીર્તિમંદિર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સોની બજારમાં શ્રી
આશિષ જ્વેલર્સ નામની દુકાન ધરાવતા વેપારીને બેંકમાં ગીરવે મૂકેલા દાગીના છોડાવવાના
બહાને અને ગોલ્ડ લોનની રકમ ભરવાની બાંહેધરી આપી વિશ્વાસમાં લઈ આ ઠગાઈ આચરવામાં આવી
હતી. આરોપીઓએ બેંકમાં કોઈ જ દાગીના ગીરવે મૂક્યા ન હોવા છતાં વેપારીઓ પાસેથી રોકડ રકમ
પડાવીને ફરાર થઈ ગયા હતા, જે મામલે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે સઘન
તપાસ શરૂ કરી છે.
ગુનાની તપાસ દરમિયાન પોલીસે ટેકનિકલ
સર્વેલન્સ અને બાતમીના આધારે બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે, જેમાં
સેજાદ યુસુફ મીરા અને પ્રવીણ મનસુખભાઈ પરમારની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ
પાસેથી પોલીસે રૂ. 1.88 લાખ રોકડા રિકવર કર્યા છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે, જેમાં
મુખ્ય આરોપી સેજાદ યુસુફ મીરા સામે અગાઉ પ્રોહિબિશન સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા
હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.