ઈ કોમર્સ કંપનીઓ ઉપર FSSAIની કડકાઈ : જવાબદારી સુનિશ્ચિત
કરવા કવાયત
નવી દિલ્હી, તા. 11 : ફૂડ સેફ્ટી
એન્ડ સ્ટાન્ડર્ડ અથોરિટી ઓફ ઈન્ડિયા (એફએસએસએઆઈ)એ છેલ્લા અમુક દિવસમાં ઘણા સ્થળે દરોડા
પાડયા છે. હવે એફએસએસએઆઈ નિયમોને કડકાઈથી લાગુ કરવાની તૈયારી કરી છે. એફએસએસએઆઈના સીઈઓ
રજિત પુન્હાનીએ કહ્યું છે કે, એફએસએસએઆઈ આગામી મહિનાથી ઈ-કોમર્સ પ્લેટફોર્મની તપાસ
શરૂ કરશે.
રજિત પુન્હાનીએ કહ્યું હતું કે
તેઓ ઈ-કોમર્સ પ્લેટફોર્મને જવાબદાર ઠેરવી રહ્યા છે. આવા પ્લેટફોર્મ એવું કહીને બચી
ન શકે કે તેઓ માત્ર સામાન ડિલીવર કરે છે. ઈ કોમર્સ પ્લેટફોર્મની જવાબદારી છે કે તેઓએ
જરૂરી તપાસ કરવી પડશે. એફએસએસએઆઈ પહેલા જ ઈ કોમર્સ કંપનીઓ સાથે વાતચીત કરી ચુક્યું
છે. પુન્હાનીએ ઈ કોમર્સ અને લેબલિંયને ગ્રાહકો સંબંધિત બે મોટા સુધારા સુચવ્યા છે.
જે અંગે આગામી વર્ષ સુધીમાં સહમતિ બની જવાની સંભાવના છે. એફએસએસએઆઈ ખાદ્ય પદાર્થના
દાવા અને માર્કેટિંગ સંબંધિત નિયમોને પણ આકરા બનાવી રહ્યું છે. જેમાં 100 ટકા શુદ્ધતાના
દાવા ઉપર રોક સામેલ છે. વધુમાં લેબલ ઉપર એનર્જી ડ્રિંક શબ્દના ઉપયોગની મંજૂરી નહી રહે
કારણ કે તેનાથી ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકાય છે.