• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

રા.લો.સંઘ ચૂંટણી ઃ બળવાખોરો સામે ભાજપ હાઈકમાન્ડ પગલા લેશે ?

 -ભાજપનો સિદ્ધાંત છે કે, વ્યક્તિ કરતા પક્ષ મહત્ત્વનો છે ત્યારે પક્ષના મેન્ડેટ વિરુદ્ધ કામ કરનારાને ચેરમેન પદનોતાજ મળશે કે ડિરેક્ટરના હોદ્દા પૂરતા સીમિત રહેશે?

-બળવાખોરોના નામ સાથેનું લિસ્ટ પ્રદેશ પ્રમુખને મોકલીને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખે લેટર બોમ્બ ફોડતા રાજકારણ ગરમાયું

 

 

રાજકોટ તા.10 રાજકોટ લોધિકા સહકારી સંઘની ચૂંટણીના પરિણામોએ સહુ કોઈને ચોંકાવ્યાં છે. ચૂંટણીમાં પાર્ટીના વ્હીપનો અનાદર કરી પાર્ટી વિરુદ્ધ કામ કરનારા ભાજપના બે બળવાખોરો જીત્યાં છે અને ગુજરાત સરકારના એક પૂર્વ મંત્રી હાર્યા છે, ભાજપનો હમેશા સિદ્ધાંત રહ્યો છે કે, વ્યક્તિ કરતા પક્ષ મોટો છે ત્યારે પક્ષની વિરુદ્ધ જઈને કામ કરનારાઓ સામે પ્રદેશ હાઈકમાન્ડ કોઈ કડક પગલા લેશે કે કેમ ? તેને લઈને હાલ રાજકારણ ગરમાયું છે.

લોધિકા સહકારી સંઘની ચૂંટણીમાં કુલ 15માંથી 13 સીટ ઉપર ભાજપની જીત છે. 13 ઉમેદવારો પાર્ટીના મેન્ડેટ ઉપર જીત્યાં છે જ્યારે કુવાડવા અને માધાપરની બે મહત્વની સીટ ઉપર ભાજપના બળવાખોરો વિજય સખીયા અને નીતિન ચોવટીયાની જીત થઈ છે. જેઓએ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી તેમજ ભાજપના વરિષ્ઠ અગ્રણી પૃથ્વીસિંહ જાડેજા ઉર્ફે ઘોઘુભા જાડેજાને હરાવ્યાં છે.

બન્ને ઉમેદવારોને પણ પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો હતો પરંતુ કેટલાક ભાજપના આગેવાનો દ્વારા પાર્ટીના નિર્ણય અને વ્હિપનો અનાદર કરીને પાર્ટી વિરોધી કામગીરી કરવામાં આવી હતી. આગેવાનોના નામ સાથેનો એક પત્ર હવે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા દ્વારા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને મોકલવામાં આવ્યો છે. લેટરમાં જણાવાયું ઘોઘુભા જાડેજાને અપાયેલા વ્હીપ તેમજ ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામગીરી કરનારા લોકોનું લિસ્ટ પણ મોકલવામાં આવ્યું છે.

લિસ્ટમાં રાજકોટ ડેરીના ડિરેક્ટર વિજય સખિયા, રાજકોટ માર્કેટીંગ યાર્ડના વાઈસ ચેરમેન વિજય કોરાટ, માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા, વાજડી ગામ સેવા સહકારી મંડળીના પ્રમુખ ભૂપતસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ છે. વિજય કોરાટ પ્રદેશ ભાજપ કિશાન મોરચાના મંત્રી છે છતાં તેમણે પાર્ટી વિરુદ્ધ કામ કર્યુ હોવાનો ઉલ્લેખ કરાયો છે.

સૂત્રોના જણાવ્યાનુસાર જિલ્લા પંચાયતના એક પૂર્વ પ્રમુખના પતિ સહિતના અનેક મોટામાથાઓ પણબળવાખોરીમાં સાથે રહ્યાં છે. હવે સમગ્ર મામલે ભાજપ શું કાર્યવાહી કરે છે તેના ઉપર સહુ કોઈની નજર છે. ઉલ્લેખનીય છે કે, રા.લો. સંઘની ચૂંટણી પૂર્વે સૌરાષ્ટ્રના પ્રભારી અનિરુદ્ધ દવે અને જયેશ રાદડિયા વચ્ચે બેઠક યોજાઈ હતી, બેઠક બાદ 10 સીટ બિનહરીફ થઈ હતી પરંતુ પાંચમાં સમાધાન થયું હતું જેના કારણે ચૂંટણી ફરજિયાત બની હતી.

સૂત્રો એવું પણ જણાવે છે કે, ચૂંટણીમાં અરવિંદ રૈયાણીને જીતાડીને તેમને ચેરમેન તેમજ ઘોઘુભાને વાઈસ ચેરમેન બનાવવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં હતાં પરંતુ જો એવું થયું હોત તો રાદડિયા જૂથનું વર્ચસ્વ ઘટી શકે તેમ હતું પરંતુ ગઇકાલે યોજાયેલી ચૂંટણીમાં પાંચ બેઠકોમાંથી પાર્ટીના મેન્ડેટ વિરૂધ્ધ લડનારી બે મહત્વની બેઠકો રાદડિયા જૂથે કબજે કરીને પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. ચેરમેન તરીકે હવે કોણ બેસશે ? તે આવનારો સમય બતાવશે પરંતુ બાગીઓને માત્રિડરેક્ટર પદથી સંતોષ માનવો પડશે તેવું રાજકિય નિષ્ણાતો જણાવી રહ્યાં છે.

બીજી તરફ રાજકોટ ભાજપમાં સર્જાયેલો આંતરિક ઉકળાટ માત્ર રાજકોટ પૂરતો સીમિત રહે તેવું માનવું જોખમી છે. ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં પ્રભુત્વ ધરાવતા નેતાઓનો આંતરિક જૂથવાદના ઉકળતા ચરુની અસર આગામી સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક