બ્રિક્સ
બિઝનેસ ફોરમમાં સંબોધન : પુતિને પશ્ચિમી દેશો ઉપર કટાક્ષ કરતા કહ્યું, ખબર નહી કેમ
પોતાને G-7 કહે છે : ઈરાની રાષ્ટ્રપતિએ
બ્રિકસ દેશોની સાચી તાકાત ફોરમમાં વર્ણવી
નવી
દિલ્હી, તા. 11 : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બ્રિક્સ સમિટનું આયોજન થઈ રહ્યું છે.
જેના માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન, ઈરાની રાષ્ટ્રપતિ પેજેશ્કિયાન સહિતના દિગ્ગજ નેતાઓ
દિલ્હી પહોંચી ચૂક્યા છે. આ શિખર સંમેલન પહેલા બ્રિક્સ બિઝનેસ ફોરમનું આયોજન કરવામાં
આવ્યું હતું. જેમાં સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, બ્રિક્સ દેશો દુનિયાની
અડધી આબાદી છે. છેલ્લા વર્ષોમાં ગ્લોબલ જીડીપી અઢી ગણી વધી છે તેવામાં બ્રિક્સ દેશોનું
સંયુક્ત અર્થતંત્ર સાડા ચાર ગણું વધ્યું છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતનો વિકાસ
ભરોસો આપી રહ્યો છે. આજે ભારતમાં સ્ટાર્ટઅપ રિવોલ્યુશન થઈ રહ્યું છે. પુતિને પોતાના
સંબોધનમાં પશ્ચિમી દેશો ઉપર કટાક્ષ કર્યો હતો અને જી-7ની અર્થવ્યવસ્થા ઉપર નિશાન તાકતા
કહ્યું હતું કે, ખબર નહી તેઓ પોતાને જી-7 શું કામ કહે છે. બિઝનેસ ફોરમના લીડર્સ સેશનમાં
પીએમ મોદીએ કહ્યું હતું કે, જેવી રીતે બ્રિક્સ ત્રીજા દશકમાં જઈ રહ્યું છે તેઓ બ્રિકસ
બિઝનેસ કાઉન્સીલને કહેવા માગે છે કે શું તેઓ બ્રિક્સ દેશો વચ્ચે ટોપ -10 વેપાર અડચણો
હટાવવા ઉપર એક રિપોર્ટ તૈયાર કરી શકે છે ? શું દર વર્ષે 100 બ્રિક્સ સ્ટાર્ટઅપને બીજા
બ્રિક્સ માર્કેટમાં આગળ વધાવામાં મદદ કરી શકાશે ? શું બિઝનેસ વચ્ચે 1 હજાર નવી ભાગીદારી
થઈ શકશે ? આ મામલે દર વર્ષે પ્રગતિની સમીક્ષા કરવી જોઈએ.
મોદીએ
આગળ કહ્યું હતું કે, ગ્લોબલ ટ્રેડમાં વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે સમુદ્રી રસ્તા
સુરક્ષિત હોય, સપ્લાયના રસ્તા ખુલ્લા રહે અને નાવિકો સુરક્ષિત રહે. આ માટે ભારત નેવિગેશનની
આઝાદી અને નાવિકોની સુરક્ષાનું સમર્થન કરે છે. બ્રિકસ મહિલા અલાયન્સ પણ વિઝનનો મહત્વનો
હિસ્સો છે.
આ ઉપરાંત
બિઝનેસ ફોરમને સંબોધિત કરતા પુતિને કહ્યું હતું કે બ્રિકસ મારફતે મુશ્કેલીનો સામનો
થઈ શકે તેમ છે. તેઓનું લક્ષ્ય બ્રિક્સ દેશો વચ્ચેના વેપારને પ્રોત્સાહન આપવાનું છે.
આજે પશ્ચિમી દેશો નબળા બની રહ્યા છે. બ્રિક્સે જી-7 દેશોને પાછળ છોડયા છે. પુતિને પશ્ચિમી
દેશના સમુહ જી-7ના મહત્વ ઉપર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, આજે બ્રિક્સ દેશો વૈશ્વિક
જીડીપીમાં 40 ટકાનું યોગદાન આપે છે. જ્યારે જી-7 દેશ માત્ર 28-29 ટકા આપે છે. તેવામાં
પોતાને જી-7 કેમ કહે છે તે સમજાતું નથી.
બ્રિકસ
આગળ નિકળી ચૂક્યું હોવાથી જી-7 પોતાનો દબદબો બનાવવા ખોટા રસ્તા અપનાવી રહ્યું છે. જેમાં
જળમાર્ગોને રોકવા અને સમુદ્રી જહાજોને જપ્ત કરવાની પ્રવૃત્તિ સામેલ છે. પુતિને ઈરાનનું
ઉદાહરણ આપતા કહ્યું હતું કે, સતત પ્રતિબંધના કારણે ઈરાનનો વેપાર, શિપિંગ અને ગ્લોબલ
નેટવર્કની પહોંચ ઉપર નકારાત્મક અસર પડી છે.
બ્રિક્સ
બિઝનેસ ફોરમમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને પણ સંબોધન કર્યું હતું. તેમણે
કહ્યું હતું કે, આજે દુનિયા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. જિયોપોલિટિકલ અનિશ્ચિતતા,
સપ્લાય ચેનમા અડચણ અને રાજનીતિક દબાણ બનાવવા માટે આર્થિક સાધનોનો વધતો ઉપયોગ વગેરેએ આર્થિક માહોલને વધારે
જટિલ બનાવ્યો છે. બીજી તરફ બ્રિક્સની સાચી તાકાત સભ્ય દેશોની અર્થવ્યવસ્થા સુધી સીમિત
નથી. આ ક્ષમતાઓને વેપાર, રોકાણ અને સંયુક્ત ભાગીદારી જ્યારે સાથે મળે ત્યારે તાકાત
સ્પષ્ટ રીતે જોવા મળે છે.
---------
મોદી-પુતિન
વચ્ચે લાંબી બેઠક
નવી
દિલ્હી, તા. 11: યુદ્ધના ઉન્માદ અને ઊર્જા સંકટની પરિસ્થિતિ વચ્ચે આજે અહીં બ્રિક્સ
શિખર સમેલન પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન
વચ્ચે મહત્ત્વની દ્વિપક્ષી બેઠક યોજાઈ હતી. મોદીએ રૂસ-યુક્રેનના યુદ્ધને રોકવા માટે
ફરી એક વાર મધ્યસ્થીની તૈયારી બતાવી હતી અને કાળા સમુદ્રમાં ભારતીઓની સુરક્ષાનો મુદ્દો
પણ ઉઠાવ્યો હતો. બંને પક્ષે વાર્ષિક દ્વિપક્ષી વ્યાપાર અત્યારના 65 અબજ ડોલરથી વધારીને
2030 સુધી 100 અબજ ડોલર સુધી પહોંચાડવાનો નિર્ધાર દર્શાવ્યો હતો. પુતિને ટ્રેડ, રોકાણ,
માળખાકીય ક્ષેત્ર, ટેકનોલોજી વગેરે ક્ષેત્રોને લઈને બ્રિક્સ દેશો વચ્ચે નવા ઈન્વેસ્ટમેન્ટ
પ્લેટફોર્મ પર ભાર મૂક્યો હતો. 45 મિનિટની વાતચીતમાં બંને નેતા સંરક્ષણ ક્રિટિકલ મિનરલ્સ,
નાગરિક, અણુઊર્જા, ખાતર સપ્લાય વગેરે ક્ષેત્રે સહકાર વધારવા સંમત થયા હતા. મોદીએ કહ્યું
હતું કે, ઘર્ષણો ઉકેલવા માટે ડાયલોગ (સંવાદ) અને ડિપ્લોમસી (રાજદ્વારિતા) જરૂરી છે.વિદેશ
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બેઠક દરમ્યાન મોદીએ વાર્ષિક શિખર મંત્રણા
માટે રશિયા આવવાનું પુતિનનું નિમંત્રણ સ્વીકાર્યું હતું. બંને પક્ષ ભારત-રશિયાની ખાસ
વ્યૂહાત્મક ભાગીદારી સઘન બનાવવા સમંત થયા હતા.
ક્રેમલિનના
પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું હતું કે, બંને પક્ષો બ્રહ્મોસ મિસાઈલોના અપગ્રેડેશનની
શક્યતાઓ ચકાસવા સંમત થયા હતા. ભારતને એસ-400 સિસ્ટમ આપવા અને એસયુ-57 યુદ્ધ જહાજોની
સૂચિત ડિલિવરી અંગે ચર્ચા માટે રૂસ પ્રતિબદ્ધ છે.